ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવેલી ખરીદી સમૃદ્ધિ આપે છે. આ નક્ષત્રની ધાતુ સોનું છે. આ યોગમાં વર-કન્યા માટે સોનું અથવા ઘરેણાં ખરીદવાથી દાંપત્ય સુખ વધે છે, વૈવાહિક જીવનમાં દોષ પણ ઓછા થાય છે
આ વર્ષ, એટલે કે 2022માં 24 ઓક્ટોબરના રોજ દિવાળીની ઉજવણી કરવામાં આવશે. દિવાળીના 2 મહિના પહેલાં 25 ઓગસ્ટના રોજ ગુરુપુષ્ય નક્ષત્ર આવી રહ્યું છે. આ નક્ષત્ર એટલા માટે દુર્લભ છે, કારણ કે આ ખાસ દિવસે 10 શુભ યોગ બની રહ્યા છે. જ્યોતિષીઓ માને છે કે દિવાળીના બે મહિના ગુરુપુષ્ય નક્ષત્ર શુભ કાર્યની શરૂઆત માટે વરદાન સમાન છે. આ અદ્ભુત શુભ સંયોગ સાથે 25 ઓગસ્ટને મીની દિવાળી પણ કહી શકાય છે. 25 ઓગસ્ટના રોજ દશ મહાયોગનો આવો દુર્લભ સંયોગ છેલ્લાં 1500 વર્ષમાં જોવા મળ્યો ન હોતો.
પુષ્પ નક્ષત્રની શરૂઆત સૂર્યોદય સાથે થશે અને સાંજે 4:50 સુધી રહેશે. 12 કલાકનું આ મહામુહૂર્ત છે, જેમાં દરેક પ્રકારનાં શુભ કાર્ય લાભદાયક, કાયમી અને શુભ ફળદાયી રહેશે. જો ગુરુવારના દિવસે તમને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા, નવાં કામો શરૂ કરવા, વાહનો, ઘરેણાં, કપડાં અને અન્ય વસ્તુઓ ખરીદવાથી અનેક લાભો મળશે. આ સાથે ઘર અને ઓફિસના ઉપયોગ માટે જરૂરી વસ્તુઓ ખરીદવી પણ શુભ માનવામાં આવે છે.

છેલ્લાં ઘણાં વર્ષોથી નથી બન્યો આ યોગ
આ દિવસે સૂર્ય સિંહ રાશિમાં, ચંદ્ર કર્ક રાશિમાં, બુધ કન્યા રાશિમાં, ગુરુ મીન રાશિમાં અને શનિ મકર રાશિમાં રહેશે. આ રીતે પાંચ ગ્રહ પોતપોતાની રાશિમાં રહેશે, જેને શુભ માનવામાં આવે છે, જેમાં શનિ અને ગુરૂ પોતપોતાના રાશિઓમાં હોવાના કારણે આ સંયોગના શુભ ફળમાં વધારો થશે, કારણ કે પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ છે અને દેવતા ગુરુ છે. છેલ્લી ઘણી સદીઓમાં ગ્રહોની આ પ્રકારની સ્થિતિ જોવા મળી નથી.
આ દિવસે સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ અને વરિયન નામના ત્રણ મોટા યોગ સાથે જ શુભકર્તરી, વરિષ્ઠ, ભાસ્કર, ઉભયચારી, હર્ષ, સરલ અને વિમલ નામના રાજયોગો પણ બની રહ્યા છે. આ રીતે દસ શુભ યોગ હોવાને કારણે ખરીદીનો મોટો સંયોગ બની રહ્યો છે. સિતારાઓની આ સ્થિતિ આજ સુધી બની નથી.
આ સંયોગમાં ખરીદી લાંબા ગાળે ફાયદાકારક રહેશે :
દિવાળી પહેલાં જ્યારે પણ ગુરુપુષ્ય સંયોગ કરવામાં આવે છે ત્યારે એમાં રોકાણ અને ખરીદી કરી શકાય છે. આ વખતે આ યોગ શ્રાવણ મહિનામાં બની રહ્યો છે. આ હિન્દી મહિનાનો સ્વામી ચંદ્ર છે અને દેવતા ઋષિકેશ છે. પુષ્ય નક્ષત્ર ચંદ્રની રાશિમાં આવે છે અને ગુરુવાર એ ભગવાન ઋષિકેશ એટલે કે વિષ્ણુનો દિવસ છે, તેથી આ સંયોગમાં કરવામાં આવેલી ખરીદી લાંબા સમય સુધી ફાયદાકારક રહેશે.

રોકાણ અને લેવડદેવડ માટે આ મહિનો શુભ
આ શુભ ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવાની પરંપરા છે. તો આ દિવસોમાં ખરીદી કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાતુર્માસમાં ફક્ત માંગલિક કાર્યો જ કરવામાં આવતા નથી, પરંતુ આ મહિનો રોકાણ, લેવડ-દેવડ અને નવી શરૂઆત માટે પણ શુભ માનવામાં આવે છે.




