હવે નવરાત્રિના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના કુંભારવાડામાં ખાસ માટીના ગરબા બનાવવામાં આવતા હોય છે. આ માટીના ગરબાની માઇ ભક્તો ઘરમાં દસ દિવસ માટે સ્થાપના કરતા હોય છે. નવરાત્રિના બે મહિના પૂર્વથી જ માટીના ગરબા બનાવવાની શરૂઆત કરી દેવામાં આવતી હોય છે. તથા પેઢી દર પેઢી આ વારસો ચાલતો આવ્યો છે.

હસમુખભાઈ પ્રજાપતિ એ જણાવ્યું કે, માટીનો અમારો વારસાગત વ્યવસાય છે. 150 વર્ષ, જ્યારે ગાયકવાડી શાસન ચાલતું હતું, ત્યારથી અમારા બાપ-દાદા અહીં રહેતા અને આજે અમેં લોકો રહીએ છે અને માટીના વાસણો અને ગરબા બનાવીએ છે. ગરબા બનાવ માટે તળાવમાંથી માટીને લાવીને ગાળવી પડતી હોય છે. ખેતરમાંથી માટી લાવવામાં આવે છે તથા જે કપ રકાબી બને છે એવી ફાયર ક્લે. જે થાન ચોટીલાથી લાવવામાં આવે છે અને એમાંથી માટીના ગરબા બને છે.

વાતાવરણ સૂકું અને ચોખ્ખુ હોય તો એક દિવસમાં 60 થી 70 જેટલા ગરબા બનાવવામાં આવે છે. પરંતુ જો વરસાદ હોય તો 30-40 નંગ બને. આખું પરિવાર ભેગું થઈને માટીના ગરબા બનાવતું આવ્યું છે. હસમુખભાઈ હોલસેલનો વ્યવસાય કરે છે. એમના બનાવેલા માટીના ગરબા વડોદરામાં તમામ જગ્યા એ મોકલવામાં આવતા હોય છે. તદુપરાંત વડોદરા શહેર સહિત સુરત, મુંબઈ, ભરૂચ, અંકલેશ્વર, અમદાવાદ સુધી આ માટીના ગરબા પહોંચે છે. ગરબાના કદ પ્રમાણે ભાવ હોય છે, પરંતુ હાલમાં 50 રૂપિયાથી ગરબાની કિંમત શરૂ થાય છે. જેને વેપારીઓ લઈ જઈ અને મઢાવીને 200 – 300 રૂપિયે વેંચતા હોય છે.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)




