ભારત-પાક સરહદ રાજસ્થાનના ના જેસલમેર જિલ્લામાં આવેલી છે. અહીં સીમા સુરક્ષાની જવાબદારી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના હાથમાં છે. BSFની ટીમ સરહદની સુરક્ષાને લઈને હંમેશા સતર્ક રહે છે, જેથી પાકિસ્તાન તેની ‘નાપાક’ ગતિવિધિઓમાં સફળ ન થાય. બીએસએફના જવાનો પાકિસ્તાનની સરહદ પર ચોવીસ કલાક તૈનાત છે, જેથી કોઈપણ પ્રકારની ગેરકાયદેસર ગતિવિધિઓ પર નજર રાખી શકાય.
બીજી તરફ થાર રણની પશ્ચિમ સરહદ પર ઊંટો દ્વારા નજર રાખવામાં આવે છે, કારણ કે અહીં ચાલવું મુશ્કેલ છે. જોકે, લગભગ પાંચ વર્ષથી બીએસએફમાં ઊંટોની ખરીદી થઈ શકી નથી. લગભગ 300 થી 400 ઊંટની જરૂર પડે છે. બીએસએફના મહાનિર્દેશક પંકજ કુમાર સિંહે બીકાનેર સેક્ટરના ડીઆઈજી પુષ્પેન્દ્ર સિંહને ઊંટ ખરીદવાની જવાબદારી સોંપી છે.
જેસલમેર-બીકાનેર સેક્ટરમાં ઊંટ ટુકડી તૈનાત કરવામાં આવશે
ડીઆઈજી પુષ્પેન્દ્ર સિંહે તપાસ કર્યા બાદ ગયા બુધવારે જોધપુર વિસ્તારમાંથી 36 ઊંટ ખરીદ્યા હતા. આ તમામ ઊંટને બિકાનેર સેક્ટર હેડક્વાર્ટરમા તૈયાર કરવામાં આવશે, જેથી સરહદ પર સુરક્ષા ઝડપથી થઈ શકે. ડીઆઈજી પુષ્પેન્દ્ર સિંહે જણાવ્યું કે જેસલમેર સેક્ટર અને બિકાનેર બંને સેક્ટરમાં નવા 177 ઊંટ તૈનાત કરવામાં આવશે. ડીજીના આદેશ પર ઊંટોની ખરીદી શરૂ કરવામાં આવી છે. સંપૂર્ણપણે તાલીમ આપ્યા બાદ પછી જ તેમને બોર્ડર પર તૈનાત કરવામાં આવશે.




