એકતાનગર કેવડિયા પાસે 2500 ની વસ્તી ધરાવતા ઝરવાણી ગામે પ્રાથમિક સુવિધાનો આજે પણ અભાવ
ગામની સંગીતા નામની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા ઝોળીમાં દવાખાને લઇ જવા ગ્રામજનો મજબુર બન્યા
વિશ્વ વિખ્યાત SOU પ્રવાસન ધામનો રૂ. 5000 કરોડના ખર્ચે ઉડીને આંખે વળગે તેઓ અદભુત વિકાસ કરાયો છે પણ નજીકના આદિવાસી ગામોના લોકોને આજે પણ પછાત તેમજ પાસણયુગનું હાડમારી ભરેલું જીવન જીવવું પડી રહ્યું છે. ઝરવાણી ગામે ખાડીમાં વહેતા પાણીને લઈ પ્રસૂતાને ઝોળીમાં 2 કિલોમીટર દૂર ગરૂડેશ્વર દવાખાને લઈ જવાતો વિડીયો ખુદ ગ્રામજનોએ જ વાયરલ કરી વર્ષો જૂની આ સમસ્યામાંથી છુટકારો અપાવવા પુલ બનાવી આપવાની ફરી માંગ કરી છે.
આદિવાસી નર્મદા જિલ્લાનું એકતાનગર એટલે કે કેવડિયામાં અંદાજીત રૂ. 5 હજાર કરોડથી વધુનો વિકાસ સરકાર દ્વારા કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU પરિસર વિકસવાયું છે. અહીં દેશ અને દુનિયાના પ્રવાસીઓ આવે છે, પણ સ્થાનિકો માટે કોઈ વિકાસના કાર્યો તો દૂર પાયાની સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.
કેવડિયા SOUને અડીને આવેલ ઝરવાણી ગામની સંગીતા નામની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા ઝોળીમાં દવાખાને લઇ જવા ગ્રામજનો મજબુર બન્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે. મહિલાનો ભાઈ અમરસિંગ વસાવા જાતે ઝોળી બનાવી 2 કિમિ પાણીમાં ચાલીને મુખ્ય માર્ગ પર પહોંચાડી ત્યારે વાહન મળ્યું હતું.
ચોમાસામાં તો અંતરિયાળ ગામોની હાલત બહુ કફોડી થઈ જાય છે. ત્યારે આ આદિવાસી સમાજ માત્ર પાયાની સુવિધાઓ સરકાર પાસે માંગે છે તે પણ સરકાર આપી શકતી નથી.
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ડુંગરાળ ગામ અને પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ છે. આ ગામની 2500 જેટલી વસ્તી છે. દર વર્ષે ચોમાસામાં ઝરવાણી ગામ પાસે ખાડીમાં પાણી આવી જતા ગ્રામજનોની હાલાકીનો પાર રહેતો નથી. ગામમાંથી નીકળવાનો એક માત્ર રસ્તો ખાડી આવતા બંધ થઈ જાય છે. ચોમાસામાં આ ગંભીર પરિસ્થિતિમાં 108 પણ ગામ સુધી જઇ શક્તી નથી. ગ્રામજનો દર્દીઓને ઝોળીમાં નાખી 2 કિ.મીનું અંતર પગપાળા કાપી ગરૂડેશ્વર સરકારી દવાખાને લઈ જાય છે.
ઝરવાણીથી નીકળતા વચ્ચે ખાડી પર પુલ બાંધી આપવા ગ્રામજનો વર્ષોથી માંગ કરી રહ્યા છે. ગ્રામજનોની વર્ષોની માંગ છે પણ આ જગ્યાએ નાળુ કે પૂલિયુ બનાવવામાં આવતું નથી એટલે આ પરિસ્થિતિ ગામના લોકો વેઠી રહ્યાં છે. એટલે ગ્રામજનોએ વિડિયો વાયરલ કરી સરકારને ગામની પરિસ્થિતિ વર્ણવી નારાજગી સાથે વિરોધ નોંધાવ્યો હતો.