અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. આ કહેવત રાજકોટના એક દિવ્યાંગ વ્યક્તિએ સાબિત કરી બતાવી છે. રાજકોટમાં રહેતા દિવ્યાંગ વિપુલભાઇનું મનોબળ પણ મક્કમ છે. 80 ટકા દિવ્યાંગ હોવા છતા વિપુલભાઇ 2012થી દર વર્ષે જુનાગઢમાં આવેલો ગિરનાર પર્વત સર કરે છે. અત્યાર સુધીમાં વિપુલભાઇ 7 વખત ગિરનાર પર્વત સર કરી આવ્યા છે. જેમાં બે વખત દતાત્રય ટોચ અને 5 વખત અંબાજી મંદિર સુધી ચઢાણ કર્યું છે. અને આ વર્ષે આઠમી વખત જવાના છે. વિપુલભાઇ પોતે તો ગિરનારની પરિક્રમા કરે છે તેની સાથે અન્યને પણ પ્રેરણા આપે છે અને હવે તેની સાથે ગિરનાર પર્વત પર સાથે ચડતા યુવકોની સંખ્યા 80 થી 90 થઇ ગઇ છે.
2012માં પ્રથમ વખત ગિરનાર ચઢ્યો,દિવ્યાંગોને પ્રેરણા મળે તે હેતું છે-વિપુલ બોકરવાડીયા વિપુલ બોકરવાડિયાએ કહ્યું હતું કે વર્ષ 2012માં હું પ્રથમ વખત ગિરનાર ચડ્યો હતો. હું 2 વર્ષનો હતો ત્યારથી મને પગમાં વિકલાંગતા હતી.વિકલાંગ વ્યક્તિને જીવનમાં કેટલી મુશ્કેલી હોય છે તે સમજી શકાય છે.માટે મેં મનમા નિર્ણય કર્યો કે દિવ્યાંગને પ્રેરણા મળે તેવું કંઇક કામ કરવું છે, જેથી મેં વર્ષ 2012માં પ્રથમ વખત ગિરનાર પર્વત ચડવાનું નક્કી કર્યું તે સમયે માત્ર 5 લોકો સાથે હતા. આજે 80થી 90 લોકો સાથે છે. વિપુલભાઇએ કહ્યું હતું કે મારો ઉદ્દેશ દિવ્યાંગોને પ્રેરણા આપવાનો છે. દરેક દિવ્યાંગે પગભર બનવું જોઇએ.તમે જે પણ ફિલ્ડમાં કામ કરતા હો ત્યાં મહેનત કરવાથી તેનું ફળ મળે જ છે.વિપુલભાઇએ અમને પ્રેરણા આપી-પિનલ ટીલવા વિપુલભાઇ સાથે ગિરનાર પર્વત પર પર્વતારોહણ કરનાર પિનલ ટીલવાએ કહ્યું હતું કે વિપુલભાઇએ અમને પ્રેરણા આપી છે.વિપુલભાઇ દિવ્યાંગ થઇને પણ ગિરનાર ચડી શકતા હોય તો અમે કેમ નહિ? જેથી વિપુલભાઇ સાથે અમે હવે 80 થી 90 લોકો ગિરનાર પર્વતારોહણ કરીએ છીએ.તેની સાથે પર્વત ચડવાને કારણે અમને ઉત્સાહ મળે છે અને તેની પ્રેરણાથી અમે સળસળાટ ગિરનાર ચડી શકે છે.2018માં ઇન્ડિયા બુકમાં સ્થાન મળ્યું વિપુલભાઇના દ્રઢ મનોબળની અલગ અલગ સંસ્થાઓ અને વ્યક્તિઓએ નોંધ લીધી છે. જેના પગલે વર્ષ 2018માં વિપુલભાઇને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.વિપુલભાઇ અન્ય લોકોને પ્રેરણા આપી રહ્યા છે અને અન્ય લોકોનો ઉત્સાહ પણ વધારી રહ્યા છે.