- પાનોલીની ઇન્ફિનિટી સિસર્ચ ડ્રગ્સ ફેકટરીના 2 માલિકોને ભરૂચ પોલીસ ઊંચકી લાવી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા
- પહેલા ભરૂચથી ₹ 3511 કરોડનું ડ્રગ્સ મુંબઈ મોકલતા પકડાયું
- હવે મુંબઈથી પેડલરો ભરૂચમાં મેફેડ્રોન ડ્રગ્સ ઘુસાડી રહ્યા છે
- ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પોહચવા ઝડપાયેલા પેડલરો અને ફેકટરી માલિકનું ઇન્ટ્રોગેશનમાં અનેક રાઝ ખુલશે
દેશની આર્થિક નગરી મુંબઈ અને ઔદ્યોગિક હબ જાણે મ્યાઉ મ્યાઉ ડ્રગ્સના પર્યાય બની ગયા છે. પહેલા ભરૂચમાંથી ₹3511 કરોડનું MD ડ્રગ્સ બનાવી મુંબઈ મોકલવાનું રેકેટ ખુલ્યા બાદ હવે મુંબઈથી મેફેડ્રોન ડ્રગ્સ પેડલરો દ્વારા ઠાલવવામાં આવી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થઈ રહ્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે સોમવારે સમી સાંજે પત્રકાર પરિષદ યોજી એમ.ડી. ડ્રગ્સમાં ભરૂચના 2 આરોપી ઝડપાયા હોવાની માહિતી આપી હતી.
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ATS ચાર્જરની કામગીરી હેઠળ પી.આઈ. વી.કે.ભૂતિયા, પોસઇ પી.એમ.વાળા, એમ.આર.શકોરિયા, એમ.એમ.રાઠોડ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.હે.કો. અનિરુદ્ધસિંહને મળેલી બાતમીના આધારે ભરૂચ રેલવે સ્ટેશન પાસેથી બે પેડલરો જંબુસર બાયપાસ રોડની નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતો સલમાન મુસ્તાક પટેલ અને વસીલા સોસાયટીમાં રહેતો ઇમરાન શોકત ખીલજી 99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

બન્ને હિસ્ટ્રીશીટર આરોપીઓ મુંબઈથી ₹9.90 લાખનું ડ્રગ્સ ટ્રેનમાં લઇ આવ્યા હતા. આ ડ્રગ્સ કોણે મંગાવેલું, ક્યાંથી લાવ્યા અને કોને આપવાનું હતું સહિતની તપાસ માટે પોલીસે બન્નેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. બન્ને આરોપીની કુલ ₹10.10 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ઇન્ટ્રોગેશન હાથ ધરાયુ છે.ઇમરાન નિવૃત પોલીસ પુત્ર છે અને અગાઉ બે વખત હથિયારો સાથે પકડાયો છે.
ભરૂચ પોલીસે પાનોલી GIDC ની ઇન્ફિનિટી રિસર્ચ અને ડેવલપમેન્ટ કંપનીના નામે ડ્રગ્સ બનાવત્તા કંપનીના બે માલિકો એવા મુખ્ય સૂત્રધાર રામેન્દ્રકુમાર ગિરિરાજ કિશોર દીક્ષિત અને પ્રેમપ્રકાશ પારસનાથ સીંગનો પણ ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

પનોલીની કંપનીમાં ભરૂચ પોલીસના દરોડામાં ₹1385 કરોડનું MD ડ્રગ્સ પકડાયું હતું. જ્યારે મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલે ₹1026 કરોડનું ડ્રગ્સ આજ કંપનીમાંથી પકડયું હતું.જ્યારે સાવલીની નેક્ટર કંપનીમાં વાગરાની સાયખાની વેન્ચયુર કંપનીમાં બનતા રૂપિયા 1100 કરોડના મેફેડ્રોન ડ્રગ્સનો વિપુલ જથ્થો ઝડપાયો હતો.