Published by : Anu Shukla
- વિદેશી યુનિવર્સિટીઓએ રાજ્ય અને UGCની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે
- વિદેશી યુનિવર્સિટીઓએ માત્ર ભારતીય કાયદાનો અમલ કરવાનો રહેશે
નવી શિક્ષણ નીતિ 2020માં ભારતના ઉચ્ચ શિક્ષણને વૈશ્વિક પ્લેટફોર્મ પર લાવવાનું કહેવામાં આવ્યું છે. NEP અનુસાર હવે UGCએ ઉચ્ચ શિક્ષણ માટે ભારતમાં વિદેશી યુનિવર્સિટીઓના કેમ્પસ ખોલવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આજે યુજીસીના ચેરમેન પ્રો. એમ જગદીશ કુમારે આ માટે તૈયાર કરેલી માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ જાહેર કર્યો હતો. આ માર્ગદર્શિકામાં વિદેશી યુનિવર્સિટીઓએ ભારતમાં તેમના કેમ્પસ સ્થાપવા માટે કયા નિયમોનું પાલન કરવું પડશે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
શું કહ્યુ પ્રો. કુમારે ?
યુજીસીના ચેરમેન પ્રો. એમ. જગદીશ કુમારે જણાવ્યું હતું કે અહીં કેમ્પસ સ્થાપવા માટે સૌ પ્રથમ વિદેશી યુનિવર્સિટીઓએ યુજીસીની મંજૂરી લેવી પડશે. આ મંજૂરી માટે તેઓએ યુજીસીના તમામ નિયત નિયમોનું પાલન કરવું પડશે. ભારતીય વિદ્યાર્થીઓની સાથે વિદેશી વિદ્યાર્થીઓ પણ તે કેમ્પસમાં અભ્યાસ કરી શકશે, પરંતુ પ્રવેશ નિયમો અંગે તેમણે કહ્યું કે આ માટે તેઓ પોતાની પ્રક્રિયા અપનાવી શકે છે. આગળ તેમણે કહ્યું કે વિશ્વની ટોચની 500 વિદેશી યુનિવર્સિટીઓની રેન્કિંગમાં આવનારી સંસ્થાઓને જ અહીં કેમ્પસ ખોલવાની મંજૂરી આપવામાં આવશે. આ સિવાય કેમ્પસમાં મહિલાઓની સુરક્ષા અને રેગિંગને લઈને રાજ્ય અને UGCની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. વિદેશી યુનિવર્સિટીઓએ માત્ર ભારતીય કાયદાનો અમલ કરવાનો રહેશે.
શિક્ષણની ગુણવત્તા તેમના મુખ્ય કેમ્પસ જેવી જ હોવી જોઈએ
વિદેશી યુનિવર્સિટીઓએ કે જેઓ અહીં ભારતના કેમ્પસમાં શિક્ષણ આપશે, તેઓએ ખાતરી આપવી પડશે કે તેમના શિક્ષણની ગુણવત્તા તેમના મુખ્ય કેમ્પસ જેવી જ છે. એમ જગદીશ કુમારે જણાવ્યું હતું કે ભારતમાં વિદેશી યુનિવર્સિટીઓના કેમ્પસ શરૂ થયા બાદ ઉચ્ચ શિક્ષણનું સ્વરૂપ બદલાશે. આનાથી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે. વિદેશી યુનિવર્સિટીના કેમ્પસ ખોલવા માટે તૈયાર કરાયેલ ડ્રાફ્ટ માર્ગદર્શિકા UGCની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે.




