Published by : Anu Shukla
હાલ ફેબ્રુઆરી મહિનામાં ગરમીનો રેકોર્ડ તુટી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી છે કે આ વર્ષે માર્ચ મહિનાથી જ લુ લાગવાની શરૂઆત થઇ જશે. ત્યારે આ વર્ષે એવું શું છે કે અત્યારથી જ ગરમી વધી રહી છે. તેની વિગત જાણવી રસપ્રદ બનશે. સૌ પ્રથમ તો પ્રકૃતિમાં શીત અને ગરમીનું કારણ સુર્યદેવને માનવામાં આવે છે. તે ગ્રહોના રાજા છે જોકે આ વર્ષે ગ્રહોની સ્થિતિ એવી બનેલી છે કે સુર્યદેવ અત્યારથી જ આગબબૂલા થઇ ગયા છે, જેના લીધે વાતાવરણમાં ગરમી વધી ગઇ છે.આ વર્ષના આરંભમાં શનિદેવનું આગમન કુંભ રાશિમાં થયુ છે અને કુંભ રાશિમાં શનિનું આગમન વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ કરે છે. ઉપરથી શનિના ઘર કુંભ રાશિમાં અત્યારે શનિ સાથે સુર્યદેવ ચાલી રહ્યા છે. પ્રાચીન કથા છે કે સુર્યદેવ શનિદેવથી નારાજ થઇને જ્યારે કુંભ રાશિમાં આવ્યા હતા તો શનિના ઘર કુંભને સળગાવી દેવાયુ હતુ. શનિની સાથે સુર્યનું કુંભ રાશિમાં ગોચર સુર્યની પ્રચંડતાને વધારવાનું કામ કરે છે. તેથી આ વર્ષે ફેબ્રુઆરીમાં જ હવામાન ગરમ છે. તે સાથે કુંભ રાશિમાં શનિની સૌથી મોટી ખુબી એ છે કે તે એવી ઘટનાઓનું સર્જન કરે છે, જે આશ્ચર્યમાં નાખી દે છે. આ વર્ષે કુંભ રાશિના શનિના પ્રભાવથી દેશના કેટલાય ભાગોમાં રેતનું તોફાન આવી શકે છે. નવા પ્રકારના રોગોનું નિર્માણ થશે. જુની બિમારીઓ નવુ રૂપ લઇને પાછી આવી શકે છે. તે ઉપરાંત આ વર્ષે એપ્રિલમાં ગુરુ અગ્નિ તત્વ રાશિ મેષમાં આવશે અને આ મહિનામાં સુર્ય પણ મેષ રાશિમાં આવીને ગુરૂને મળશે. સુર્ય અને ગુરુ બંને ગ્રહોને અગ્નિ તત્વના માનવામાં આવે છે. આવા સંજોગોમાં અગ્નિ તત્વ રાશિમાં બે અગ્નિ તત્વના ગ્રહ સુર્ય અને ગુરૂનો સંયોગ થશે , જે આ વર્ષે પ્રચંડ ગરમી લાવશે. આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં ભીષણ ગરમીથી લોકો વ્યાકુળ બની જશે. આ ઉપરાંત ગયા અઠવાડિયે સુર્યમાં એક વિસ્ફોટ થયો હતો. સુર્યનો એક ટુકડો સુર્યથી અલગ થયો હતો. વૃહત સંહિતાના ત્રીજા અધ્યાયમાં સુર્યમાં વિસ્ફોટ અને આ પ્રકારની ઘટના થવા અંગે જણાવાયુ છે કે આ પ્રકારની સ્થિતિ હોય તો વિશ્વમા કુદરતી હોનારતો અને પ્રકોપથી જન ધનની હાનિ થાય છે.