- નવરાત્રી પર્વમાં મહિલાઓ સાથે છેડતી જેવા બનાવો ન બને તે માટે શી – ટીમ કાર્યરત…
વડોદરા શહેરના દરેક પોલીસ સ્ટેશન દીઠ મહિલાઓ, બાળકો તથા વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા, સલામતી અને સહાયતા માટે શી – ટીમની રચના કરવામાં આવી છે. હાલમાં ચાલી રહેલી નવરાત્રીમાં યુવતીઓ મહિલાઓ સાથે છેડતી જેવા બનાવો ન બને તે માટે શી – ટીમ કાર્યરત કરવામાં આવી છે.

ગરબા ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં યુવતીઓ એકત્રીત થતી હોય છે. અને આ જ સમયે ઘણા અસામાજીક તત્વો પણ સક્રિય થતા હોય છે. તેમજ મહિલાઓની છેડતીના ઘણા બનાવો સામે આવતા હોય છે. પરંતુ આ નવરાત્રીમાં યુવતીઓની સુરક્ષા માટે શી – ટીમે પહેલેથી જ કમર કસી લીધી છે. યુવતીઓ સલામત રીતે ગરબાનો આનંદ માણી શકે તેમજ તેઓની સાથે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર ગરબા ગ્રાઉન્ડ ખાતે ખાનગી કપડામાં શી – ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. અને યુવતીઓની છેડતી કરતા ટપોરીઓ પર તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

એસીપી મહિલા સેલના રાધિકા ભારાઈએ કહ્યું હતું કે નવરાત્રી જે ખૂબ જ પ્રખ્યાત તહેવાર છે. જેમાં છોકરી છોકરા બધા જ ભેગા થઈને રમતા હોય છે. એમ તો વડોદરા સુરક્ષિત છે પરંતુ 2% એવું બની શકે કે છોકરીઓ સાથે છેડતી થાય. તો આવામાં શહેરની શી ટિમ, જે લોકોની સાથે રહીને ગરબા રમી રહ્યા છે, જેનાથી હવે વધુ સુરક્ષિત લાગી રહ્યું છે. જેથી હવે અમે કોઈ પણ ચિંતા વગર મનમૂકીને ગરબા રમીશું. અમે બધા શી ટીમે આભારી છે કે એમના લીધે આજે અમે આનંદ કરી રહ્યા છે. મહિલાઓ પણ જો કોઈ એવી ઘટના ઘટે તો શી ટીમનો હેલ્પલાઇન નંબર 7434888100 પર સંપર્ક કરી શકે છે. અને શી ટિમ ની ખાસ એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે. બે રીતે પ્લાન કરવામાં આવ્યું છે, એક ટિમ ડિકોય કરશે અને એ જ સમયે બીજી ટિમ પેટ્રોલિંગ કરશે. જેથી શહેરીજનોને મોડે સુધી શી ટીમની ગાડીઓ પણ જોવા મળશે અને દીકરીઓ નવરાત્રીનો આનંદ માણે.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)