Published by : Anu Shukla
- નેશનલ હાઈવેના બાંધકામ અને સુધારણા માટે કુલ 1 લાખ 8 હજાર 690 કરોડ રૂપિયાનો ખર્ચ થશે
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલની હાજરીમાં મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટસની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રાજ્યના વિવિધ હાઈવે પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરવામાં આવી હતી.
ફોરલેનની કાર્ય પ્રગતિનો ચિતાર મેળવ્યો
આ બેઠકમાં અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ-વે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની સમીક્ષા કરવામાં આવી હતી. જ્યારે રાજ્યના અન્ય ફોરલેન હાઈવેની કામગીરીનો ચિતાર મેળવવામાં આવ્યો હતો. તે ઉપરાંત અમૃતસર-જામનગર એક્સપ્રેસ વે અને થરાદ-અમદાવાદ એક્સપ્રેસ વે, અમદાવાદ-શામળાજી સિક્સ લેન, ભાવનગર-સોમનાથ ફોરલેન, પાલનપુર-સામખીયાળી, મોરબી-સામખીયાળી ફોરલેન, ધરોઈ-અંબાજી ફોરલેનની કાર્ય પ્રગતિનો ચિતાર મેળવ્યો હતો.
52 હજાર 775 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા
નેશનલ હાઈવેના વિકાસ અને સુધારણા માટે 81 કામો માટે ગુજરાતમાં છેલ્લા 8 વર્ષમાં વિવિધ હાઈવે પ્રોજેક્ટ માટે 52 હજાર 775 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. 30 હજાર 908 કરોડ રૂપિયાના 1 હજાર 366 કિમીના 22 કામો આયોજનના તબક્કામાં છે. આમ ગુજરાતમાં નેશનલ હાઈવેના બાંધકામ અને સુધારણા માટે કુલ 1 લાખ 8 હજાર 690 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.