- ભરૂચની રોટરી કલબ અને રેસ્ક્યુ એન્ડ રેર સંસ્થાએ ઉત્તરાયણે 3 દિવસ પક્ષી બચાવ કેમ્પ ચલાવ્યો હતો
- શુકલતીર્થ નર્મદા નદી કિનારે 30 થી વધુ બગલાને જીવદયા પ્રેમીઓએ સ્વસ્થ કરી મુક્ત કર્યા
ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વે કેટલાય પક્ષીઓ ઘવાયા હતા તો કેટલાક મૃત્યુ પણ પામ્યા હતા. કરુણા અભિયાન હેઠળ સરકાર સહિત વિવિધ સંસ્થાઓએ પક્ષી બચાવ અને સારવાર કેન્દ્ર ચલાવ્યા હતા.ભરૂચ રોટરી કલબ દ્વારા પણ રેસ્ક્યુ એન્ડ રેર જીવદયા પ્રેમી સંસ્થા સાથે 14 થી 16 જાન્યુઆરી પક્ષી બચાવ અને સારવાર કેમ્પ ચલાવાયો હતો. જ્યાં ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર સાથે જરૂર જણાતા સર્જીરી પણ કરાઈ હતી.

સંસ્થાને સૌથી વધુ ઘવાયેલા બગલા મળી આવ્યા હતા. પીળી ચાંચના આ મોટા બગલા 60 જેટલા પતંગના દોરાથી ઘવાયેલા મળી આવ્યા હતા. જેઓને સારવાર અપાઈ હતી.જે પૈકી 30 જેટલા બગલા વધુ ઘવાયેલા હોય તેમની સારવાર સાત થી આઠ દિવસ ચાલી હતી. આજે રવિવારે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થતા સંસ્થા દ્વારા આ પક્ષીઓને શુકલતીર્થ નર્મદા નદી કિનારે લઈ જવાયા હતા. જ્યાં પ્રાકૃતિક વાતાવરણમાં આ બગલાઓને વિહાર કરવા ફરી મુક્ત કરી દેવામાં આવ્યા હતા.




