- રાજ્યમાં 73 હજારથી વધુ મહિલાએ પાણીના 65 હજાર નમૂનાની ગુણવત્તા ચકાસી…
હવે પાણી શુદ્ધ છે કે નહીં તેની ચકાસણી મહીલાઓ કરી રહી છે. તેથી એમ કહી શકાય કે હવે પાણીની ચકાસણી મહિલાઓના હાથમાં છે. ગુજરાત રાજ્યના 18,187 ગામડાંઓમાં 73,805 મહિલાઓ પાણીની શુદ્ધતાના પ્રહરી બની છે. રાજ્યના પાણી પુરવઠા વિભાગ અને વાસ્મો દ્વારા મહિલાઓને તાલીમ આપી ફિલ્ડ ટેસ્ટ કિટ્સ અપાઇ છે. કિટ્સની મદદથી અત્યાર સુધીમાં પાણીના કુલ 64,711 નમૂનાનું ટેસ્ટિંગ કર્યું, જેમાં 6318 નમૂના દુષિત મળ્યા હતા.
રાજ્યના 18187 ગામડાંઓમાં રહેતાં 91,73,378 પરિવારોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેની જવાબદારી રાજ્યની 73,805 મહિલાઓ સંભાળી છે. રાજ્યના પાણી પુરવઠા વિભાગ અને વાસ્મો દ્વારા જલ જીવન મિશન હેઠળ રાજ્યની 73,805 મહિલાઓને પાણીની ગુણવતા ચકાસવાની તાલીમ આપી કિટ્સ અપાઇ છે. આ મહિલાઓ અત્યાર સુધીમાં 64,711 પાણીના નમૂના લઇ ટેસ્ટિંગ કરી ચૂકી છે.
રાજ્યમાં વર્ષે 2 લાખ જેટલા સ્ત્રોતોનું પીવાના પાણીની ગુણવત્તા ચકાસાય
ટેસ્ટના રિપોર્ટમાં કુલ 6381 નમૂના દુષિત હોવાનું સામે આવ્યું છે. 6381 પૈકી 1993 નમૂનામાં રાસાયણિક રીતે દૂષિત તેમજ 4351 નમૂનામાં બેક્ટેરિયાથી દુષિત હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ, 14,761 ગામ એવા છે જેમાં દરેક ગામમાં 5-5 મહિલાઓએ પાણીનુ ટેસ્ટિંગ કર્યુ છે. 345 ગામમાં 4-4 મહિલા, 216 ગામમાં 3-3 મહિલા, 97 ગામમાં 2-2 મહિલા, 699 ગામમાં 1-1 મહિલા સેવા આપી રહી છે. જ્યારે 2069 ગામમાં હજુ મહિલાઓને તાલીમ આપવાની બાકી છે. રાજ્યમાં વર્ષે 2 લાખ જેટલા સ્ત્રોતોનું પીવાના પાણીની ગુણવત્તા ચકાસાય છે.