દેશભરમાં 74મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબલ્ડ ફતાહ અલ-સીસી મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસની ઉજવણીમાં હાજરી આપી રહ્યા છે. તો બીજી તરફ પાયલોટ અને યુટ્યુબર ગૌરવ તનેજાએ તેની પત્ની સાથે અમેરિકાના આકાશમાં વિમાન ઉડાવીને ભારતનો નકશો બનાવ્યો હતો.
24 જાન્યુઆરી 2023ના રોજ, ગૌરવ તનેજા અને તેની પત્ની રિતુ રાથી તનેજાએ જાહેરાત કરી હતી કે તેઓ 74મા પ્રજાસત્તાક દિવસના અવસરે આકાશમાં ભારતનો નકશો દોરશે. ઈન્ડિયા ઇન ધ સ્કાય એ દેશના ઈતિહાસમાં પહેલું મિશન છે જ્યાં કોઈ ભારતીયે આકાશમાં ભારતનો સૌથી મોટો નકશો બનાવ્યો છે. ગૌરવ તનેજા અને તેમની પત્ની રિતુ રતિ તનેજાએ લગભગ 200 નોટિકલ એરમાઈલ એટલે કે લગભગ 350 કિલોમીટરનું અંતર આકાશમાં કાપીને લગભગ 3 કલાકમાં મિશન પૂરું કર્યું હતું. ગૌરવને 12 વર્ષ અને 6000 કલાકનો ઉડાનનો અનુભવ છે.