Published by : Anu Shukla
- જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો આજથી પ્રારંભ, લાખો ભક્તો ઉમટી પડે તેવી સંભાવના….
મહાશિવરાત્રી પર્વના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આજથી જૂનાગઢ ખાતે પ્રસિદ્ધ અને પ્રાચીન મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે. જૂનાગઢમાં વર્ષોથી મહાવદ નોમથી તેરસ સુધી મેળાનું આયોજન કરવામાં આવે છે. લાખો ભાવિકોના આગમન અને ભજન, ભોજન, ભક્તિના ત્રિવેણી સંગમ ગણાતા મહાશિવરાત્રીનો મેળો વિધિવત રીતે પ્રારંભ આજથી થશે. જેમાં ભવનાથ મહાદેવના મંદિરની ધજારોહણ સાથે મેળો શરુ કરવામાં આવશે. આ માટેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભવનાથ તળેટીમાં સાધુ સંતોનું આગમન થઇ ગયું છે. આગામી 4 દિવસ સુધી ચાલનારા મેળામાં લાખો ભક્તો ઉમટી પડશે. ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ વિધિવત રીતે મેળાનો પ્રારંભ થશે. આ ઉપરાંત મંદિર બાદ ત્રણ અખાડામાં ધ્વજારોહણ થશે. ભવનાથમાં પરંપરાગત રવેડી બાદ સાધુ-સંતોના મૃગીકુંડમાં સ્નાન બાદ મહાશિવરાત્રિ મેળો પૂર્ણ થશે. મહાશિવરાત્રીના કારણે સોમનાથ મંદિર સહિત સમગ્ર સોરઠ પંથકમાં ભક્તિભાવનું વાતાવરણ જામશે.
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને મહાશિવરાત્રીના મેળામાં જુદા-જુદા સ્થળોએથી આવવા માટે 173 મોટી બસ દોડાવાશે. આ ઉપરાંત મેળામાં જવા માટે 56 મીની બસ સેવા પણ પ્રારંભ કરવામાં આવી છે. બસ સેવાનો પ્રારંભ મેયર ગીતાબેન પરમાર અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે મહાશિવરાત્રીના મેળા દરમિયાન નેચર સફારી બંધ રહેશે. આગામી પાંચ દિવસ સુધી ગિરનાર સફારી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વન વિભાગ સ્ટાફ મેળામાં વ્યસ્ત હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.




