Published by : Vanshika Gor
- 6.69 લાખના ચોરીના મુદામાલ સાથે આખરે LCB ના હાથે પકડાયો
- 26 વર્ષથી રાજ્યના જુદા જુદા જિલ્લામાં ઘરફોડ ચોરીનું જ કામ, 30 વખત પકડાયો
- ભરૂચમાં બાઇક લઈને પ્રવશેતા પેહલા જ નંબર પ્લેટ કાઢી, હેલ્મેટ પહેરી રેકી બાદ ચોરીને અંજામ
ભરૂચમાં બાઇક ઉપર હેલ્મેટ પહેરી બોરસદ વાયા જંબુસર થઈ તસ્કરી કરવા આવતા હાલ પેટલાદ અને મૂળ અમરેલીના 26 વર્ષથી માત્ર ઘરફોડ ચોરી કરતા તસ્કરને LCB એ લોકઅપ ભેગો કર્યો છે.પેટલાદના લકકડપુરા ખાતે હાલ રહેતો મૂળ અમરેલીનો જયેશ મોહનભાઇ પટેલ વર્ષ 1997 એટલે કે છેલ્લા 26 વર્ષથી માત્ર ઘરફોડ ચોરીનું જ કામ કરે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી 30 વખત ચોરીના ગુનામાં પકડાયો છે.
છેલ્લા એકાદ વર્ષ ઉપરાંતના સમયથી આ તસ્કરે ભરૂચ અને અંકલેશ્વરને ચોરી માટે પોતાનો સોફ્ટ ટાર્ગેટ બનાવ્યો હતો. તસ્કર જયેશ બોરસદથી જંબુસર વાળા રસ્તે 120 કિલોમીટરનું અંતર બાઇક ઉપર કાપી ચોરી કરવા આવતો.ભરૂચ જિલ્લામાં પ્રવેશતા પેહલા ટી પાનાથી પોતાની બાઇકની નંબર પ્લેટ કાઢી નાખતો અને હેલ્મેટ પહેરી બંધ ઘરોની રેકી કરતો. પોતાની પાસે સ્કૂલ બેગમાં હેક્ઝો બ્લેડ, પાના પેચિયાથી મકાનના પાછળના ભાગથી ગ્રીલ તોડી અંદર પ્રવેશી સોના ચાંદીના દાગીના અને રોકડ લઈ ફરાર થઇ જતો. જેને પોતાના ઘરે જ દાગીના ઓગાળી વેચતો.
હવે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં શ્રી હરિ બંગલોઝમાં બે બંધ મકાનમાં ₹15.46 લાખની ચોરી થતા ભરૂચ LCB સાથે સી ડિવિઝન સર્વેલન્સની ટીમ આ ચોરીનો ભેદ ઉકેલવા એક્શનમાં આવી હતી. વિસ્તારના CCTV, ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારો થકી બાઇક ઉપર હેલ્મેટ અને બેગ ભેરવી ફરતો ચોર પોલીસની નજરમાં કેદ થયો હતો.આમોદથી ભરૂચ તરફ આવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે તેને વોચ ગોઠવી અન્ય કોઈ ચોરીને અંજામ આપે તે પેહલા જ હીરાસતમાં લઈ લીધો છે. આ અઢી દાયકાથી તસ્કરી કરતા તસ્કર જયેશની બેગ ખોલતા અંદરથી 12 તોલા સોનાના વિવિધ દાગીના અને 800 ગ્રામ થી વધુ ચાંદીના આભૂષણો, પાનાં પેચિયા મળી કુલ રૂપિયા 6.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.