- ભરૂચ શહેરના વિકાસ સામે રાજકીય અને વહીવટી અડચણો,અવરોધો અને પડકારો….
- નવસર્જન પ્રતિની પ્રતિબદ્ધતાના અવસરો…
ભરૂચ શહેરમાં 25 વર્ષથી નગરપાલિકામાં ભારતીય જનતાપાર્ટીને પ્રજાએ સ્પષ્ટ બહુમતી સાથે સત્તા સોંપી છે…કોંગ્રેસ તો સમયે સમયે ઘસાતો વિરોધપક્ષ બની રહ્યો છે અને છેલ્લે છેલ્લે તો પાલિકામાં મેચ ફિક્સિંગ જ રમાઈ રહ્યું છે,વિરોધ પક્ષે છે એટલે વિરોધ તો કરવો જ પડે, એ રીતે કોંગ્રેસ વિરોધ તો કરેજ છે,પણ સેટિંગથી…. એમના વિસ્તારોના કામ કરાવી લેવા પૂરતો જ વિરોધ હોય છે, શહેરની પ્રજાની કાયમી સુખાકારી માટેના કોઈ મોટા કામો કે આંખે વળગે એવો વિકાસ એના નામે તો નથી જ બોલી શકાતો, એ નગ્ન સત્ય છે. પ્રજાના મન પરથી પણએ પક્ષ એટલો ઉતરી ગયો છે, કે કોંગ્રેસ ફિક્સ બેઠકોના આંકડાઓથી આગળ વધતી જ નથી. હું જૂનું ભરૂચ આખું ફર્યો, સ્પષ્ટ દેખાયું કે વિકાસના નામે મીંડું જ દેખાય છે. હા, એમાં પાછો હિન્દુ-મુસ્લિમનો ‘વાદ’ તો કામ કરે જ છે…પણ એ શહેરના સર્વાંગી વિકાસનો માપદંડ તો ના જ હોઈ શકે. શું ફુરજા, ડભોઇયા વાડ, ડુંગરી કે શક્તિનાથથી પસાર થનારાઓ રસ્તા, ગટર, સુંદરતા, ગંદકીથી ત્રસ્ત કે ખુશ નહીં થતા હોય..? એ એમનો એકાધિકાર નથી..? પાંચબત્તી-ઝાડેશ્વરની ઉપયોગીતા કોઈ એક જ ‘કોમ્યુનિટી’-કોમ માટે મર્યાદિત હોય છે ખરી…? શું કોઈ રસ્તો કોઈ એક કોમ માટે મર્યાદિત કે નિર્ધારિત હોઈ શકે ખરો…? રાજકારણમાં મતોના વિભાજન, હાર-જીત માટે આ બધું ઠીક છે, પણ વિકાસ આ બધાથી મર્યાદિતના હોય તો જ શ્રેષ્ઠ શહેરનો સંપૂર્ણ વિકાસ થાય. ખેર એ વિકાસના રાજકારણને છોડીએ તો ભરૂચને ઘણું બધું જોઈએ છે, જે વર્ષોથી બાકી છે:25 વર્ષે પણ અપૂર્ણ અને અધૂરું, અવિકસિત અને ગંદુ છે…લોકો ભરૂચ છોડી વડોદરા અને સુરત તરફ પ્રયાણ કરી રહ્યા છે એ પણ સત્ય છે.
કોઈ શત્રુ પણ એવું નહીં કહી શકે કે માજી ધારાસભ્ય દુષ્યંત પટેલના 15 વર્ષના એક ધારા સમયમાં કોઈ વિકાસના કામો નથી થયા….હા,ઘણા અગત્યના-નોંધપાત્ર કામો દુષ્યંતભાઈ પટેલે કર્યા તો છે જ…બે પાંચ સમાજ ઉપયોગી કામો તો મેં પણ એમની સાથે રહીને કરવાનો હું નિમિત્ત માત્ર બન્યો છું…14 વર્ષની મૈત્રીમાં સપના તો ઘણા જોયા, ભલે સાકાર ઓછા થયાં, એ માટે પક્ષની આંતરિક ખેંચ તાણ, રાજકારણ, પસંદ- નાપસંદ, પર્સનલ ઈગો, ગેરસમજો કદાચ કારણભૂત હશે. થોડું ઘણું કર્યું તો છે જ, પણ ઘણું કરવાનું બાકી પણ રહ્યું છે. આ શ્રેણીમાં આવા કેટલાક જરૂરી અને બાકી કામો પૈકી એક કામ પાંચબત્તીના વિકાસ – જુના રંગઉપવનની જગ્યાએ નવા રંગઉપવન કામ અદ્યતન સુવિધાઓ સાથેનું આધુનિક શોપિંગ સેન્ટર પુરી વ્યવસ્થાઓ સાથેનું સર્જન કરવાનું કામ મુખ્ય છે. દાયકાઓ થયા પણ પાંચબત્તી એજ જૂનું અને ગંદુ રહ્યું. હા છેલ્લા 5-7 વર્ષોમાં ઘણી બધી ચર્ચાઓ અને અવાજ ઉઠ્યા…કહેવાય છે કે છેલ્લા 3-4 વર્ષથી તો આ રંગઉપવનના નવસર્જનના પ્રોજેકટ માટે પાલિકામાં પણ ઠરાવો થયા, બજેટ ફળવાયા પણ કોઈકના વ્યક્તિગત વિચારો કે કહો અહંકારમાં આ કામ અતિજરૂરી હોવા છતાં અટવાયેલું, બાકી જ રહયું. અરે, પાંચબત્તીના આ જુના શોપિંગ સેન્ટરના દુકાનદારોના અથાગ પ્રયત્નો, રજૂઆતો કે આંદોલનો પણ નેતાઓ થૂંકની જેમ ગળી ગયા. આર્કિટેક્ટ પાસે પ્લાન બનાવાયા, અને પૈસા ક્યાંથી લાવશું ? બુકીંગના મળે તો..? જેવા પ્રશ્નો ઉભા કરી કામ ખોરંભે ચઢ્યું, અભરાઈએ ચઢ્યું. રાજકીય જીવિષા અને કલ્યાણ કે જોખમ ન ખેડવાની નિતીમાં પણ આ ‘રંગ ઉપવન’ માત્ર એક ઉકરડો કહો કે ઉજ્જડ પડતર કેન્દ્ર બનીને રહી ગયું. મેં વ્યક્તિગત પણ વારંવાર રજુઆત-ટકોર કરી, દુકાનદારોની દરખાસ્તમાં રસ લઈ એમના સમજ્યા અને સમજાવ્યા, પણ એ ગ્રહણ અકબંધ રહ્યું…નવા ધારાસભ્ય શ્રી રમેશભાઈએ એક દિવસ વાત વાતમાં પૂછ્યું કે કોઈ વિકાસના, જનહિતના ઉપયોગી કામો નજર અંદાઝ થયાં હોય તો મારું ધ્યાન દોરજો.તો મેં બીજા મુદ્દાઓ સાથે પહેલો મુદ્દો અને પડકાર આ પાંચબત્તીના રંગઉપવનના પુનઃઉદ્ધાર નો કહ્યો…હા,એ માટે દ્રઢ સંકલ્પ અને ભગીરથ પુરુષાર્થની અને 7-8 કરોડના ફંડની જરૂરિયાતની પણ વાત કરી, અને એ માટેના માર્ગની પણ વાત કરી. જુના દુકાનદારોના હકારાત્મક અને રચનાત્મક સહયોગ અને એ માટે જરૂરી મદદની પણ વાત કરી…
જુના-નવા શહેરનું સંગમ સ્થળ એવા પાંચચબત્તીના ઉદ્ધાર માટે નવા ધારાસભ્યશ્રી એ થોડી પહેલ કર્યાનું મારા ધ્યાને આવતા મને આનંદ પણ થયો.આ વિસ્તારને થોડો ખુલ્લો અને બહુહેતુક ઉપયોગી બનાવાય, તો શહેરના એક સાથે અનેક પ્રશ્નો હલ થાય…5-7 માળનું બ્યુટીફૂલ શોપિંગસેન્ટરમાં અંડરગ્રાઉન્ડ વિશાળ પાર્કિંગ, પેહલા બીજા માળે જરૂરપડે તો પણ પે-પાર્કિંગ, વર્તમાન 16-17 દુકાનદારોને એમની જગ્યા પૂરતી દુકાનો નવી, પાક્કી બનાવી એનો યોગ્ય ખર્ચ લઈ, ત્રીજા ચોથા માળે ઓફિસો કે એક્ઝીબીસન હોલ, નાનકડું 200 બેઠકોનું ઓડિટોરિયમ-રંગ ઉપવન બનાવીને સગવડોની સાથે સાથે જરૂરી બ્યુટીફીકેસન પણ કરી શકાય. હા, ગાંધીનગરથી, નાણાં વિભાગમાંથી રૂપિયા લાવવા ભરુચી નેતાઓની કર્તવ્ય નિષ્ઠા, એક અવાજે-એકસાથે રજુઆત કરવાની નિયત અને નીતિ જોઈએ. આ કાર્યો ને રાજકીય લાભાલાભથી, વિવાદોથી દુર રાખવામાં આવે તો ભરૂચ લિવેબલ અને લવેબલ બની જ શકે…હવે પાંચબત્તીની બિલકુલ નજીક રિલીફ રોકીઝના સ્થળે, એની સામે ભારતી ટોકીઝના સ્થળે, એની બાજુમાં સ્ટેટબેંકની નજીક-બાજુમાં ભવ્યાતિભવ્ય કોમર્શિયલ શોપિંગ સેન્ટરો બની જ રહ્યા છે ત્યારે આ બહુજ યોગ્ય સમય છે પાંચબત્તીને વિકસાવવાનો…જુના રંગઉપવનના રંગ-રૂપને નવસર્જિત કરવાનો…તાજેતરમાં એક મિત્રએ મને વ્યક્તિગત રજુઆત કમ ટોન્ટ sms માં માર્યો કે…માતરીયું તળાવ તો દૂઝણિ ગાય છે…જે કોઈ હોય એની પાછળ પડે છે…વિગેરે વિગેરે…એના વિકાસના ગીતો ગાયાં અને રતન તળાવ લોકોને વિક્સાવવાનું કેમ થી સૂઝતું..?એનું ફંડ પણ પડયાનું કહ્યું… મોટી પોસ્ટ ઓફિસના dr.ના જુના દવાખાના સુધી વિકાસની નજર પહોંચાડનાર આ મિત્ર પણ થોડું ‘અહોભાવ’ અને મૈત્રીમાં મારી જેમ જ ખેંચાયા, અર્ધ સત્ય એમની વાતોમાં ખરું, પણ માતરિયા સાથે રતન તળાવ, સરકારી સંસ્થાઓ, શાળાઓ, જૂની કલેકટર ઓફિસ, ફુરજો અને હોસ્ટેલ ગ્રાઉન્ડ, ટોકન એક રૂપિયામાં ખાનગી હાથમાં સોંપાયેલી સિવિલ હોસ્પિટલ, -મેડિકલ કોલેજ એના કર્તા હર્તાઓ…. પણ એ બધી વાત ફરી ક્યારેક એક પછી એક લઈશું…આજે તો માં નર્મદાને પ્રાર્થના કે રાજકારણીઓ સહિત તમામ ભરુચિઓને,પ્રજાજનો પાવન સલીલાના, એના દર્શન માત્રથી મળતા પુણ્ય થકી સત્કાર્યો અને શહેરના વિકાસની દીર્ઘ દ્રષ્ટિ,શક્તિ અને નવસર્જનની સાચી દિશા આપે જેથી ભરૂચ- ભૃગુભૂમિનું ભવિષ્ય, કાશીની જેમ ઉજ્જવળ,સુંદર-ભવ્ય અને સાચા અર્થમાં સુપ્રસિદ્ધ તીર્થ સાથે સુંદર શહેર બને….અને પાંચબત્તી પુનઃઉદ્ધાર-નવસર્જન પામે….