Published By : Parul Patel
- ✍️ 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં સત્તા ભોગવતા સાંસદને ખરેખર અન્યાય થાય છે?? કે દુઃખે છે પેટ ને કુટે છે માથું??સાંસદ માણસ તો સારા છે જ,પણ …
- ✍️ મનસુખભાઇ વસાવાને પાક્કો અણસાર મળી ચુક્યો છે??! કે ટિકીટ કપાય છે, એટલે બુઝાતો દિપક વધુ પ્રજ્વલે છે?? કે ઘરના ચિરાગથી જ ઘરને આગ લાગશે??
- ✍️ પોતાનું વર્ચસ્વ, પ્રભાવ, સત્તા કાપનારને છંછાડેયાલા આદિવાસી નેતા છોડશે તો નહીં : 25 વર્ષનું રાજકારણ એળે તો નહીં જ જવા દે ???
ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના દિલ્હીમાં જિલ્લાનું સતત 25 વર્ષથી નેતૃત્વ કરી, ચેનલ નર્મદા સાથેજ રજતજયંતિ વર્ષ ઉજવનાર મનસુખભાઇ વસાવા સામે આદિવાસી લોબીમાંથી જ જન્મેલા અસંતોષને ભડકાવી ભડકાવીને, જેમને આ નિખાલસ, બોલકાં અને આખાબોલા આદિવાસી નેતા ઉલ્ટાકામોમાં નડ્યા છે, એમને રાજકિય રીતે નિપટાવી-પતાવી દેવાની ચાલ ચાલનારાઓને એક મોકો સામે ચાલીને, આ સાંસદે આપી દીધો હોવાનું દેખાઈ રહ્યું છે. એક વાત તો પાક્કી છે કે, આ આદિવાસી નેતા એમના સમાજ માટે તો મસીહા જ બની રહ્યો છે, પાક્કો, સંનિષ્ઠ આદિવાસી નેતા બની રહ્યો છે, એ વાત મોદી સાહેબ પણ જાણે જ છે. આદિવાસીઓની ભલાઈ માટે આ માણસે 25 વર્ષની રાજકિય કારકિર્દીની પણ ઐસી તૈસી કરી તો નાખી જ છે, પણ એમને હટાવવા પાછળ ગંદુ રાજકારણ તો રમાયું જ છે, પણ આ નેતાનો ઉગ્ર સ્વભાવ, એલ ફેલ જાહેરમાં બોલી ધાક જમાવવાની, ઈમોશનલ બ્લેકમેલિંગ, દબાણ લાવવાની રીત, અને માત્ર 5-15 મળતીયાઑને જ સાથે રાખવાની, ખટવવાની રીત રસમે પણ એમને બહુ મોટું નુકસાન પહોંચાડી દીધું છે. આ સ્વભાવે જ તેમનાજ સમાજના કેટલાક નેતાઓ એમનાથી દૂર થયાં છે…
આ સાંસદ પોતે પ્રમાણિક હોવાનું છાતી ઠોકી ને બોલે છે, પણ એમના પડછાયાઓ પ્રમાણિક હોવાનું સાબિત નથી થતું, નેતાજીની નોકર-ચાકર જેવી સેવા બજવનાર જ એમના સફેદ વસ્ત્રોને ધબ્બા પાડતા, પડાવતા રહ્યાનું આખો પક્ષ જાણે છે, પણ આ નેતાની એવી તો કઈ કમજોરી છે કે આવા 2-4 ચરણ ચ્મપુઓને, જાહેરમાં ચર્ચાઓ ચગવા છતાં આટલા વર્ષોમાં એવા ખોટ્ટા સિક્કાઓને દૂર હડસેલી શક્યા નથી…તો બીજી બાજુ એમણે જાણ્યે અજાણ્યે તેઓ માત્ર ને માત્ર આદિવાસી સમાજના જ જનપ્રતિનિધિ હોવાની એક પક્ષીય છાપ પણ ઉભી કરી દીધી છે, જેના કારણે ભરૂચ જિલ્લાની લોકસભા સામાન્ય બેઠક હોઈ, વારંવાર બિન આદિવાસીને ટિકિટ આપવાનું ગતકડું દર ચૂંટણીઓમાં થતું રહે છે…આવી પરિસ્થિતિમાં છેલ્લી બે ટર્મથી આ નેતાનો “પ્રોગ્રેસકાર્ડ” માં નેગેટિવ મુદ્દાઓમાં એમના જાહેરમાં નોંધાયેલા વિધાનો, તે પછી રેતી-માટી લિઝના પ્રશ્નનો હોય, અધિકારીઓને ગાળો દેવાનો હોય, કે જિલ્લા પ્રમુખ મારુતિ સામે છેલ્લી વિધાનસભા દરમ્યાન આંખો કાઢીને તોછડાઈ પૂર્વકનું કરાયેલું નિવેદન હોય…આ મહાનુભાવ બિન્દાસ્તથી એક માત્ર પોતે પ્રામાણિક આદિવાસી નેતા હોવાની તાકાત અને થોડી મોદી સાહેબની કૃપાદ્રષ્ટિને લઈને ખુદની સરકારને પણ જાહેરમાં ‘લઈ નાખવાનો’ નકારાત્મક અભિગમે એમને ઘણા બધામાં અપ્રિય અને અકારા બનાવી દીધા છે. પ્રામાણિકતા, નિખાલસતા કે શુદ્ધ છબી એ આજના ભાજપમાં ટિકિટ મેળવવાની ગુણવત્તાનું માપ દંડ છે જ નહિ, એ કેમ આ સાંસદ ભૂલી ગયાં?? છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં જ આ સાંસદની ‘ટિકીટનું નામું’ નંખાઈ ગયું હતું. એક વાયકા મુજબ સંસદે અમિતશાહની હાજરીમાં વિધાનસભાની ટિકિટની માંગણી કેરતાં, શાહ સાહેબે કહી દીઘું હતું કે, પહેલા રાજીનામું આપી દો, હું સાહેબને સમજાવી દઈશ, પછી વિચારીશું, નિયમ બધા માટે સરખા..તો રમેશભાઈ મિસ્ત્રીના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ મનસુખલાલને સ્પષ્ટ ટોણો મારતા જણાવેલું કે, ટિકિટ જોઈતી હોય તો તમે પણ કાર્યાલય ખોલો..ઈશારો સ્પષ્ટ હતો, CR પાસેના ગુપ્ત રિપોર્ટ પણ મનસુખલાલની વિરુદ્ધના હોવાનું બોલાય છે, એક છાપ એવી પણ પક્ષમાં ઉભી થઇ છે કે મનસુખભાઇ પહેલા આદિવાસી સમાજના છે, પછી પાર્ટીના…એમનું છોટુભાઈ પ્રતિનું કુણું વલણ પણ રાજકારણમાં નકારાત્મક ગણાયું છે, એક ચર્ચા એવી પણ એક સમયે ઉઠી હતી કે જો મનસુખભાઇ ને ભાજપ કાપશે, તો તેઓ પક્ષને નુકસાન પહોંચાડશે…આમાં સત્ય કેટલું એ સમય કહેશે…પણ ભાજપમાં ઘેરાયેલા આ સાંસદના ટેકામાં આશ્ચર્યજનક રીતે છોટુ વસાવા બહાર આવતા, અને ભાજપ પક્ષ છોડી દેવા લલકારતા અને બાકી હોય ત્યાં મનસુખભાઇનું છેલ્લું ઝગડીયાના ધારાસભ્ય રિતેશ વસાવાને કોઢ ઉંદર, પ્રકાશ દેસાઈને પણ આડે હાથ લઈ, છોટુ વાસવાને પતાવી, હવે ભાજપને પતાવવા આવ્યા હોવાનો આક્ષેપ કરતાં, પરોક્ષ પ્રદેશ પ્રમુખને જ પડકાર્યાનું દેખાય છે, વિરોધીઓએ સાબિત કર્યું છે, ને હમણાં તો મોદી સાહેબનો CR પાટીલ સાહેબ જ પડછાયો ગણાય છે, ત્યારે આદિવાસી પટ્ટીમાં ઝગડીયા, વાલિયા, નેત્રંગ તાલુકા પંચાયતો પર પોતાના માણસો જ ગોઠવવાની લ્હાયમાં પ્રદેશ પ્રમુખની નજરમાંથી તેઓ વધુ ઉતરી ગયાં છે. મનસુખલાલએ પ્રકાશ દેસાઈ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ દ્વારા સીધા CR પાટીલના સંપર્કમાં હોવાનું કહેવાય છે, જિલ્લાની પાંચમી બેઠક પણ ભાજપને અપાવવામાં રિતેશ વાસવાને ટિકિટ અપાવતી વખતે પણ કહેવાય છે કે, મારુતિએ ભજવેલો રોલ મનસુખલાલને નહતો ગમ્યો, કારણકે એમની વિરુદ્ધનું જ પ્લાનિંગ હતું, અત્રે ઉલ્લેખનીય છે કે, રિતેશ વસાવા મૂળ ક્રિશ્ચન હોવાનું કહેવાય છે, જે ધારાસભ્ય બનતા પહેલા પ્રકાશ દેસાઈનો ડ્રાઈવર હોવાનું ચર્ચાય છે, સંઘ પણ રીતેશની પસંદગીમાં જે તે સમયે નારાજ હોવાનું બહાર આવેલું…બળતામાં ઘી ત્યારે હોમાયું કે રિતેશ વસાવા પણ લોકસભાની ટિકિટનો દાવેદાર બનવા ઉતાવળો બન્યા છે…
ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખપદે મહેન્દ્ર સિંહ વાંસદિયાને બેસાડવાની ચાલમાં આ બધું ભડકયું છે. સાંસદ મનસુખભાઇ એમાં સંમત નથી, કારણ પ્રકાશ દેસાઈ એન્ડ પાર્ટી જે સંપૂર્ણ વ્યવસાઈ/વ્યાપારી હોવાનું આ વિસ્તારમાં ચર્ચાય છે…ને છોટુભાઈ વસાવાને પણ “સારા કહેવડાવે” એવી છાપ છે, મનસુખલાલ આ બધાના વિરોધી છે. મહેન્દ્રસિંહના નામમાં પાટીલ સાહેબ સંમત હોવાનું કહેવાય છે, તો જંબુસરના સંજય સિંધાનો વિરોધ ધારાસભ્ય ડી.કે.સ્વામીએ કર્યો છે, એના માટે વાહિયાત કારણ એવું આપ્યું કે મને સિંધાના ફેમિલીએ મત નથી આપ્યા, જ્યારે એનું ફેમિલી વિદેશ હતું…આ બે દરબારોની લઢાઈમાં મનસુખલાલ એમના ખાસમ ખાસ ધર્મેશ મિસ્ત્રી તરફ ઢળ્યા, તો કહેવાય છે કે રમેશભાઈ મિસ્ત્રી અને મારુતિ વિરોધમાં પડ્યા…સાચું તો આ નેતાઓ જ જાણે, બોલે ત્યારે ખરા, આ બધું પક્ષનું આંતરિક રાજકારણ પ્રજાને સ્પર્શતું નથી,પણ નેતાઓના હિતોને બહુ ભારે સ્પર્શ કરે છે. લાખો કરોડોના બજેટ વાળા પદોના વહીવટમાં, અઢી વર્ષની વહેંચણીની લઢાઈમાં, હાલ તો મનસુખલાલ ટિકિટ ખોઈ દે એવો તાલ તમાશો ગોઠવાયો છે, જેની ચાલમાં સંકળાયેલી કડીઓમાં લોકસભાના દાવેદાર મનાતા ઘનશ્યામ પટેલ (સુગરવાળા), DR દર્શના દેશમુખ, જે સ્વ.ચંદુભાઈ દેશમુખની દીકરી છે, એ પણ લોકસભાની ટિકિટના દાવેદાર છે, એક અખબારી અહેવાલ મુજબ ગુજરાતની તમામ મહિલા સાંસદોને ઘેર બેસાડવાનું, કાપવાનું મોદી સાહેબે નક્કી કર્યું છે તો એમની નજર દર્શના દેશમુખ તરફ તો યોગ્યતાની દ્રષ્ટિએ ક્યારની ઠરેલી જ છે, આમ સત્તાની સાઠમારીમા ભલા ભોળા, પણ બહુ બોલકાં અને અપ્રિય થઈ પડેલા મનસુખભાઇનો ભોગ લેવાનો તખ્તો છેક દિલ્હીથી ઘડાઈ ચુક્યો હોવાનું જણાય છે. મનસુખલાલએ અહંકાર અને જીદને છોડી, આવડત, ચાલ બાજી અને બળવો કરવાની નોબત સુધીની તૈયારીઓ કરી હોવાનું બોલાઈ રહ્યું છે…ઘણા નકારાત્મક પાસાઓમાં આ સાંસદ બિનઆદીવાસી પટ્ટીની અવગણના પણ નોંધપાત્ર તો ખરી જ…પણ જો, આ સાંસદ રહસ્યો ખોલશે, તો ભરૂચ જિલ્લાના ભાજપના ઘણા મોટા નેતાઓનું રાજકારણ પૂરું કરી નાખશે, એ પાક્કું…એમને જરૂર છે એક ધીર ગંભીર, વિચક્ષણ, નિઃસ્વાર્થ અને અનુભવી માર્ગદર્શક, મદદનીશ મિત્ર, હિતેચ્છુની…કોણ બનશે આ નેતાનો સાચો સારથી?? તો જિલ્લાના રાજકારણમાં ઘણી સાફસફાઈ અને શુદ્ધિ થઈ જાય, અને જેવું ભાજપ આ નેતા ચાહે છે, એવું થોડું ઘણું તો થઈ જાય, બાકી મનસુખ વસાવા જેવો સ્વયં નોન કર્પટ, નિખાલસ, સત્ય વક્તા નેતા આજના રાજકારણમાં શોધવો અતિ મુશ્કેલ એ પણ ખરું…એ ભાજપની અમૂલ્ય મૂડી તો છે જ, એ વાત જુદી કે પાર્ટીને હવે આવી કેપિટલની જરૂર જ નથી…✍️