Home Administration બ્લોગ: નરેશ ઠક્કર,ભરૂચ…✍️ ભરૂચ અસંખ્ય પ્રશ્નો, પીડાઓ અને વિકાસની સમસ્યાઓથી ભર્યું પડ્યું...

બ્લોગ: નરેશ ઠક્કર,ભરૂચ…✍️ ભરૂચ અસંખ્ય પ્રશ્નો, પીડાઓ અને વિકાસની સમસ્યાઓથી ભર્યું પડ્યું છે…પ્રજા હતાશા, નિરાશા અને ત્રસ્તજીવન જીવી રહી છે…જવાબદાર કોણ.??

0

Published By : Parul Patel

  • ✍️ ભરૂચ અસંખ્ય પ્રશ્નો,પીડાઓ અને વિકાસની સમસ્યાઓથી ભર્યું પડ્યું છે, પ્રજા હતાશા, નિરાશા અને ત્રસ્તજીવન જીવી રહી છે, જવાબદાર કોણ??
  • ✍️ કઇ સમસ્યાથી બ્લોગ શરૂ કરવો, કોને,કેટલું કહેવું, એજ નક્કી કરવું કઠિન બની ગયું છે, પ્રજા મદદ કરશે ??

ભરૂચ શહેર અને જિલ્લો અસંખ્ય પ્રશ્નો, સમસ્યાઓથી વર્ષોથી પીડાતો જ રહ્યો છે…છેલ્લા 25-30 વર્ષથી તો હું એનો સક્રિય સાક્ષી રહ્યો છું. મારો તો જો કે જન્મ જ ભરૂચમાં છે. 1970ની રેલ, અને 1971નો ધરતીકંપ જેવી મહાઆફતોના બચપણમાં ભરુચી તરીકે વેઠેલી વેદનાના દ્રશ્યો આજે પણ જીવંત છે. એક ટેકરી પર જીવતા જુના ભરૂચને 72 પછી ત્રણ દિશામાં બહુ ધીમી ગતિએ ડેવલોપ થતું જોયું છે, રાજકીય રીતે સંવેદનશીલ ગણાતા જિલ્લાને ગુજરાતના બીજા જિલ્લાઓની સાપેક્ષમાં, બહુ નજીવો વિકાસનો લાભ મળ્યો છે. અર્ધવિકસીત અથવા કહો અવિકસિત રહી જવા માટે, જેટલી ભરૂચની ભૌગોલિક સ્થિતિ જવાબદાર છે, એનાથી અનેક ઘણી રાજકિય ઇચ્છાશક્તિનો અભાવ, મજબૂત દીર્ઘદ્રષ્ટિ ધરાવતા સ્થાનિક નેતાઓની ઉણપ, ગેરહાજરી વધુ જવાબદાર છે…કોઈ મર્દ મુછાળો સ્વ.ઠાકોર ગુમાન જેવો નેતા ભરૂચને નથી મળ્યો, આવા 5-6 ઠાકોરકાકા જિલ્લામાં જોઈતા હતા, પણ ખાટલે મોટી ખોડ એ રહી કે જે મળ્યા, એમની દ્રષ્ટિ અને શક્તિ સીમિત જ રહી…પ્રધાન બધા બહુ બન્યા, પણ શહેર જિલ્લાને કોઈએ એટલું પ્રાધાન્ય ના જ અપાવ્યું. ભલું થાજો એ નેતાઓનું જેમણે ભરૂચને ઉદ્યોગોની નગરી બનાવી, પણ એમાં કોઈ મોટા સ્થાનિક ભાજપીયા નેતાઓનો સિંહ ફાળો નથી જ નથી. 4-5 GIDC ઓ આવી, પણ આંતર માળખાકીય સુવિધાઓનો ઘણો અભાવ રહ્યો…

છેલ્લે છેલ્લે ભિક્ષામાં શહેરને 2-3 ઓવર બ્રિજ મળ્યા પણ ખરા, કેટલુંય કકળ્યા પછી, પણ એ પણ અપૂરતા અને અગવડિયા સાબિત થઈ રહ્યા છે. ભરૂચ શહેર અને જિલ્લો બરોડા, સુરતની સરખામણીએ માત્ર 20%જ વિકસી શક્યો છે, એવું કહેવું જરાય ખોટું નથી. ભરૂચ શહેરના રૂંધાયેલા વિકાસ માટે 80% જવાબદાર શહેરની નગરપાલિકાનો રેઢિયાળ, ભ્રષ્ટાચારી, ટૂંકી અને સ્વાર્થી બુદ્ધિનો વહીવટ જ જવાબદાર છે. ભરૂચ પાલિકા, જિલ્લા પંચાયત અને અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એ ભરૂચને અવિકસિત રાખવાનું મહા પાપ કર્યું છે, જે ભાવિ પેઢી માફ નહીં કરે. નથી કોઈ એવી અને એટલી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ, ના હવા, પાણી, રસ્તાઓ અને શિક્ષણનો સાર્વત્રિક, અનિવાર્ય હોય એવો વિકાસ. લોકો ધનિક બની, સુરત અને બરોડામાં મકાનો લઈ શિફ્ટ થઈ રહ્યા છે. પણ કોઈ આ પવિત્ર અને પ્રાચીન નગર-શહેરને જોનારું, સમજનારું કે વિકસાવવાની ઈચ્છાવાળું ના કોઈ નેતા, ના કોઈ મોટો, સમર્પિત અને કડક અધિકારી મળ્યો છે. એકાદ બે IAS અધિકારીએ કોશિશ કરી છે, આ કલેકટર સાહેબ પણ કોશિશ કરી રહ્યા છે, પણ નેતાઓ અને પ્રજાએ જે સપોર્ટ આપવો જોઈએ એ મળતો હોય એમ જણાતું નથી. ખાટલે મોટી ખોટ જ પ્રજાની ના હિમ્મત અને નકારાત્મક સોચની પણ છે…પ્રજા પોતાની તાકાત ના બતાવે, તો પ્રતિનિધિઓ સબક કેવી રીતે શીખે?? આજે સવારે એક મિત્ર મળ્યા, મારા બ્લોગના નિયમિત વાચક લાગ્યા, પ્રશ્ન કર્યો, બે ત્રણ દિવસથી બ્લોગ નથી દેખાતો?? મેં હસીને કહ્યું, ગુરુપૂર્ણિમા વાળામાં રસ ના પડ્યો??? પ્રજાને પણ આક્રમક અને ટીકાત્મક બ્લોગ્સ ગમતાં લાગે છે, જેમાં કંઈક ભલું થશેની કદાચ ઉમ્મીદ હોય…પણ મારી પાસે એટલા બધા પ્રશ્નો અને સમસ્યાઓનો ભંડાર-સ્ટોક છે કે, શરૂઆત ક્યાંથી કરું?? કેટલું લખું?? કોને લખું?? શુ પરિણામ મળશે?? ક્યારે મળશે?? જેવા પ્રશ્નો અંતરમાં ઉઠે છે.

બે દિવસથી બ્લોગના ટોપીક્સ નોંધતો હતો..જેમાં :
1) ટૂંકમાં જ આવનારું ભાજપ સંગઠન પર એક બે બ્લોગ,
2) નગરપાલિકાના ભ્રષ્ટાચાર,ગેરવહીવટ મુદ્દે માં.ધારાસભ્યશ્રીને એક ખુલ્લો પત્ર…
3) ભરૂચની પ્રસિદ્ધ સ્કૂલ રુકમણીદેવી રુંગટામાં સર્જાવવા જઈ રહેલા વિવાદસ્પદ પ્રશ્નો અંગેના બ્લોગની હારમાળા,
4) ભરૂચના તવરા તરફ વિકાસ પામી રહેલા ઝોનની ટીપીની સમસ્યા, વિકાસનો પ્રશ્ન,
5) ભાજપની આંતરિક ભવાઈઓ, ગળાકાપ જુથબંધી
6) શહેરની ટ્રાફીકની વિકટ બનેલી સમસ્યા, નિષ્ક્રિય બનેલા BTET, ટ્રાફિક-પાર્કિંગ
7) કહેવાતી રોહિંગયાની સંભવિત ઘૂસ્પેઠની આશંકા પર તપાસ-અભ્યાસ
8) ગૂંચવાયેલા ભૂગર્ભ ગટરનો પ્રશ્ન, લીગસી વેસ્ટ, કરોડોના ખર્ચે આપનાર ગટર કનેક્શનો નો પ્રશ્ન,પાંચબત્તીનો નવો માર્ગ…

આવા અધધ પ્રશ્નો છે, આનંદની વાત છે કે બીજા પ્રિન્ટ મીડિયા,દિવ્ય ભાસ્કર,સંદેશ,સમાચાર સહિત બીજી ચેનલો પણ આવા જનહિતના પ્રશ્નોને ઉઠાવી ઘણું પ્રજાહિતનું કામ કરી રહ્યા છે,પણ જાગશે અને કરશે કોણ?? એ બહુ મોટો પ્રશ્ન છે…
એક સમાચાર આઘાતજનક એ પણ મળ્યાછે, કે ભરૂચ રેલવે સ્ટેશન પર બનનાર એકમાત્ર ‘એસકેલેટર’ પર રેલવે ઓથોરિટીએ કેન્સલ કરી વડોદરાને ત્રીજો એસકેલેટર પણ ફાળવી દેવાયો હોવાનું કહેવાય છે.બરોડા ને ત્રણ,અને ભરૂચને ઝીરો?? સાંસદ મનસુખલાલ આ જાણતા પણ હશે ખરા?? કાંઈ કરશે ??

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version