- અંકલેશ્વરના ભડકોદ્રાની મહિલાની જ કસકમાં આવેલી જમીન માર્ગેજ કરાવી 2.46 કરોડની બેંક લોન લઈ લીધી
- GNFC બેંક ઓફ બરોડા શાખામાંથી મૂળ માલિકોને એકપણ હપ્તો ન ભરાતા હરાજીથી જમીનો વેચવા નોટિસ
ભરૂચના ફલશ્રુતિ એપાર્ટમેન્ટમાં રહેતા માતૃશક્તિ એન્ટરપ્રાઇઝના માલિક સુબ્રતો જેનાએ કસકમાં આવેલી 2106 ચો.મી. જમીન સહિત 11 મિલકતધારકોની મિલકતો વેચાણ લેવાના બહાને મોર્ગેઝ કરાવી રૂપિયા 4.50 કરોડનું બેંક લોન કૌભાંડ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.
અંકલેશ્વરના ભડકોદ્રા ખાતે આદિત્યનગરમાં રહેતા 62 વર્ષીય અનુબેન કેતનભાઈ પટેલની ભરૂચના કસક વિસ્તારમાં 2106 ચો.મીટર ખુલ્લી જમીન આવેલી છે.
વર્ષ 2017 ની શરૂઆતમાં તેમની પાસે 3 જમીન દલાલો કિરણ ચૌહાણ, ભગવનભાઈ અને જયેશભાઇ પટેલ આવ્યા હતા અને તેમની આ જમીન એક કરોડ ઉપરાંતમાં વેચાય શકે છે તેમ જણાવ્યું હતું.
પટેલ દંપતી જમીન વેચવા તૈયાર હોવાનું કહેતા ભરૂચના ફ્લાશ્રુતિ એપાર્ટમેન્ટમાં રહેતા અને માતૃશક્તિ એન્ટરપ્રાઇઝના માલિક સુબ્રતો ત્રિલોચન જેના સાથે સંપર્ક કરાવ્યો હતો. જેમાં સવા કરોડમાં સોદો નક્કી કરાયો હતો. જે બાદ સુબ્રતો પાસે પૈસા ન હોય પટેલ વૃદ્ધ દંપતીને અંકલેશ્વર અને ભરૂચની બીઓબી બેંકમાં લોન લેવા લઈ ગયો હતો. બાનાખત થઈ ગયો હતો.
દરમિયાન પટેલ દંપતીના દીકરા દીકરીને જાણ થતાં સાટાખત રદ કરાયો હતો. બાદમાં દીકરા-દીકરી સહમત થતા 1806 ચો.મીટર જમીન સુબ્રતોને એક કરોડમાં વેચાણ કરવા મૌખિક સોદો થયો હતો.
જે અંગે પટેલ દંપતીને 2 લાખનો ચેક આપી વિશ્વાસમાં લેવાયા હતા. સુબ્રતોએ જુલાઈ 2017 માં દંપતીને ચાર ચેક રૂપિયા 5 લાખના, 30 લાખનો એક ચેક અને 3 લાખનો એક અને બે કોરા ચેક આપ્યા હતા. બે ચેક 35 લાખના બેંકમાં 17 જુલાઈ 2017 ના રોજ નાખતા રીટર્ન થયા હતા.
વખતો વખત સુબ્રતોએ દંપતીને પૈસા મળી જશેના વચનો આપ્યા કર્યા હતા. અંતે 2018 માં ભરૂચ GNFC બેંક ઓફ બરોડાના મેનેજરનો પટેલ દંપતી ઉપર કોલ આવતા તેઓ હચમચી ગયા હતા. તેમની જમીન મોર્ગેઝ કરાવી સુબ્રુતોએ રૂપિયા 2.46 કરોડની લોન લઈ લીધી હતી. જેનો એક પણ હપ્તો ભર્યો ન હતો.
આખરે બેંક દ્વારા જમીનો હરાજીની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અને દંપતીને તેમની અને બીજા 10 મિલકતધારકો સાથે આવી જ રીતે મિલકત ખરીદવાના નામે રૂપિયા 4.50 કરોડની લોન લઈ ઠગાઈ થઈ હોવાની જાણ થતાં સી ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.




