- સેફ, સિક્યોર સાથે એક કરોડની લાઇટિંગ વન ડે પારિવારિક પીકનીક બનાવશે વધુ યાદગાર
- બાઉન્ડ્રી કવર, સિક્યોરિટી, CCTV, રોમન ગેટ, એમ.પી.થિયેટર, ફોરેસ્ટ ટ્રેઇલ, ફૂડ કોર્ટ સહિતના આકર્ષણો
MY Livable Bharuch હેઠળ હવે માતરિયા તળાવની રૂપિયા 4 કરોડના ખર્ચે કાયાકલ્પ કરી તેને વધુ મનમોહક અને મનોરંજક શહેરીજનો માટે બનાવવામાં આવી રહ્યું છે.
ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ હેઠળ ભરૂચના માતરિયા તળાવને સમાવી લેવાયું છે. જિલ્લા કલેકટર તુષાર સુમેરાની માય લિવેબલ ભરૂચ પહેલ હેઠળ CSR ફંડમાંથી માતરિયાને વન ડે પારિવારિક પીકનીક પોઇન્ટ માટે વિકસાવાઈ રહ્યું છે.
જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને પાલિકા તંત્ર પણ માતરિયા લેક ગાર્ડનના રી ડેવલોપમેન્ટમાં સહભાગી બન્યા છે. જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ કહ્યું હતું કે, શહેરીજનો માતરિયા તળાવ ગાર્ડન ખાતે શનિ-રવિ તેમજ રજામાં પરિવાર સાથે આંનદ-પ્રમોદ માણી શકે તે માટે સલામતી સાથે સુવિધાઓ ઉભી કરાઇ રહી છે.
હાલ માતરિયા તળાવ સવારે 5 થી 8 અને સાંજે 5 થી 8 કલાક જ ખુલ્લું રહે છે. જે આગામી સમયમાં નવા આકર્ષણો સાથે સવારે 5 થી રાતે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
રૂપિયા 4 કરોડના ખર્ચે માતરિયા તળાવ ગાર્ડનને ફરતે બાઉન્દ્રી કરી તેને સલામત કરાશે. સમગ્ર માતરિયા તળાવ પ્રોજેકટમાં 24 કલાક સિક્યોરિટી રહેશે. સાથે જ CCTV થી આખું ગાર્ડન આવરી લેવાશે.
અહીં એક કરોડના ખર્ચે લાઇટિંગ, ફૂડ કોર્ટ, ટોઇલેટ, ફોરેસ્ટ ટ્રેઇલ, એમ.પી. થિયેટર, બાળકો માટે રમત ગમતના વિવિધ સાધનો, જોગિંગ ટ્રેક, ગાર્ડનીગ, રોમન ગેટ સહિતને આવરી લેવાયું છે.