- મોન્ટેરી પાર્કમાં હુમલાખોર ઉજવણી વેળા મશીનગન લઈને ઘૂસ્યો હતો
- અંધાધૂંધ ફાયરિંગ કરતા 10 ના મોત થયા
- ગોળીબારમાં ઘાયલોનો આંકડો હજી બહાર આવ્યો નથી
અમેરિકાના કેલિફોર્નિયામાં ગોળીબારની ઘટનામાં 10 લોકોના મોત થયા છે. ગોળીબાર લોસ એન્જલસથી લગભગ 12 કિલોમીટર પૂર્વમાં સ્થિત મોન્ટેરી પાર્કમાં થયો હતો. જોકે ઘટનામાં ઘવાયેલા લોકોનો આંકડો હજી સામે આવ્યો નથી.
એમેરિકાના કેલિફોર્નિયામાં ચીનના નવા વર્ષની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું, જેના કારણે હજારો લોકો એકઠા થયા હતા. જ્યાં અચાનક ગોળીબારે ઉજવણીને લોહિયાળ બનાવી દીધી હતી.
સ્થાનિક પોલીસે હજુ સુધી એ નથી જણાવ્યું કે ઘાયલોની સંખ્યા કેટલી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પાર્કમાં મોટી સંખ્યામાં પોલીસની હાજરી હોવાનું સામે આવ્યું છે.
લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગોળીબાર કરનાર પુરુષ છે. જો કે તેની ધરપકડ કરવામાં આવી છે કે નહીં તે હજુ સુધી જાણવા મળ્યું નથી.
એક પ્રત્યક્ષદર્શીએ લોસ એન્જલસ ટાઇમ્સને જણાવ્યું કે, ત્રણ માણસો તેની રેસ્ટોરન્ટમાં દોડી ગયા અને દરવાજો બંધ કરવાનું કહ્યું હતું. કારણ કે મશીનગન સાથેનો એક માણસ આ વિસ્તારમાં ફરતો હતો.
ગયા વર્ષે, અઠવાડિયા સુધી ચાલનારા નવા વર્ષના તહેવાર માટે એક લાખથી વધુ લોકો એકઠા થયા હતા. મોન્ટેરી પાર્કની વસ્તી લગભગ 60,000 છે અને તે મોટા એશિયન સમુદાયનું ઘર છે.