- બે વર્ષ બાદ વાજતે ગાજતે દશામાની મૂર્તિની ઘેર ઘેર પધરામણી
- દસ દિવસ સુધી શ્રદ્ધાળુઓ દશામાની આગતા સ્વાગતામાં લીન રહેશે
ભરૂચ, અંકલેશ્વર શહેર અને જિલ્લામાં બે વર્ષ બાદ આજે ગુરૂવારે અમાસથી દશામાંનું મહિલાઓ અને શ્રદ્ધાળુઓ દ્વારા શ્રદ્ધાભેર ઘેર ઘેર સ્થાપન કરવામાં આવ્યું છે.
બે વર્ષના કોરોના કાળ બાદ વિવિધ ઉત્સવો, તહેવારો, વ્રતની ઉજવણી કરવા ભરૂચ જિલ્લાવાસીઓ ઉત્સાહમય બન્યા છે. આજે અમાસથી દસ દિવસનુ આતિથ્ય માણવા દશામાની સવારી આવી ચઢતા બજારોમાં દશામાની પ્રતિમા સહિત વિવિધ સામગ્રીઓ ખરીદવા ઉમટેલી ભીડમાં ભકિતસભર માહોલ ફેલાઇ ગયો હતો.
અષાઢી અમાસથી દશામાના દસ દિવસના વ્રતનો પ્રારંભ થતો હોય બજારોમાં દશામાની મૂર્તિઓ તેમજ સાજ-શણગારનાં પ્રસાધનો તેમજ અન્ય પૂજાપાની ચીજવસ્તુઓ ખરીદવા વ્રતધારી મહિલાઓ અને શ્રદ્ધાળુઓ છલકાઇ ઉઠયા હતા. વાજતે ગાજતે દશામાની પ્રતિમાઓ ખરીદી લોકો મૂર્તિઓ તેમના ઘરે લઇ ગયા હતા.ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં સાંજે દશામાની નાની મોટી હજારો પ્રતિમાઓનું સ્થાપન કરી શ્રદ્ધાળુઓએ દશામાના વ્રતનો રંગેચંગે પ્રારંભ કરશે.