Published by : Rana Kajal
- દેવોપોઢી એકદશીથી જિલ્લાના માછીમારો નદી અને દરિયો ખુંદવાનું શરૂ કરશે
ભરૂચના બોરભાઠા બેટના માછીમારોએ આજે અષાઢી નોમે નર્મદા મૈયાનો દુગ્ધાભિષેક કરી ચોમાસાની મૌસમ ઉત્તરોતર પ્રગતિકારક રહે તેવી પ્રાર્થના કરી હતી.
ચોમાસુ શરૂ થઈ જવા સાથે ભરૂચ જિલ્લાના માછીમારો પણ નાવડીઓ, જાળ અને મત્સ્ય સાધનો તૈયાર કરી નદી તેમજ અરબી સમુદ્ર ખુંદવા સજ્જ બની રહ્યાં છે.
મંગળવારે અષાઢી નોમે બોર ભાઠાના માછીમારોએ નર્મદા મૈયાનો હવન કર્યો હતો. જે બાદ શ્રીફળ, ચુંદડી અર્પણ કરી નાવડીમાં સવાર થઈ નર્મદા નદીને દુધનો અભિષેક કર્યો હતો. ચોમાસાની સિઝન નિર્વિઘ્ને પસાર થવા સાથે પ્રગતિકારક રહે તેવી નર્મદા મૈયાને પ્રાર્થના કરાઈ હતી.
આગામી દેવપોઢી એકાદશીથી ભરૂચ જિલ્લાના માછીમારો નર્મદા નદી અને દરિયા દેવનું પૂજન કરી વિદેશી હૂંડિયામણ રળી આપતી હિલસા માછલીને પકડવા સાથે માછીમારીની શરૂઆત કરશે.
ભરૂચના ભાડભૂત ખાતે મોટા પાયે નર્મદા અને દરિયાદેવના પૂજનનું આયોજન કરાશે. ચોમાસામાં આવતા ત્રણથી ચાર જુવાળ ઉપર નભી માછીમારો તેમનું આખું વર્ષ હિલસા, ઝીંગા અને અન્ય માછલીઓ પકડી કાઢે છે. હાલ માછીમારો દેવપોઢી અગિયારસની ઉજવણી અને નવી સિઝનની શરૂઆત કરવામાં જોતરાઈ ગયા છે.




