Published by : Anu Shukla
- છટણીનો નિર્ણય સીઈઓ બોબ ઈગર દ્વારા લેવામાં આવ્યો
વિશ્વભરમાં મંદીના પડછાયા વચ્ચે મોટી કંપનીઓમાં છટણીની પ્રક્રિયા ચાલી રહી છે. ફેસબુક, મેટા, ગૂગલ, ટ્વિટર બાદ હવે એન્ટરટેઈનમેન્ટ કંપની ડિઝનીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ થઈ ગયું છે. મનોરંજન ક્ષેત્રની દિગ્ગજ કંપની ડિઝની 7,000 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. છટણીનો નિર્ણય સીઈઓ બોબ ઈગર દ્વારા લેવામાં આવ્યો છે. તેમને ગયા વર્ષે ડિસેમ્બરમાં કંપનીની કમાન સોંપવામાં આવી હતી.
આ છટણીનો આંકડો મનોરંજન કંપની ડિઝનીના વૈશ્વિક કર્મચારીઓના લગભગ 3 ટકા છે જેમાં છટણી કરવામાં આવી રહી છે. ડિઝનીના ત્રિમાસિક પરિણામો બાદ છટણીની જાહેરાત કરવામાં આવી છે. કંપની દ્વારા આ નિર્ણય વિશે કહેવામાં આવ્યું છે કે, છટણીનો આ નિર્ણય કંપનીમાં $ 5.5 બિલિયનના ખર્ચને બચાવવાના લક્ષ્ય હેઠળ લેવામાં આવ્યો છે.
કોસ્ટ કટિંગના નામે તાબડતોડ છટણી
1 ઓક્ટોબર સુધી ડિઝનીએ 2,20,000 લોકોને હાયર કર્યા હતા. તેમાંથી લગભગ 1,66,000 યુએસમાં અને 54,000 આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે. આમાંથી લગભગ 80 ટકા કર્મચારીઓ કંપની માટે પૂર્ણ-સમય કામ કરતા હતા. વૈશ્વિક મંદીને ટાંકીને કંપનીઓ તેમના ખર્ચ બચાવવા અથવા ખર્ચ ઘટાડવાના નામે ઝડપી છટણી કરી રહી છે. ડિઝનીની સ્થિતિ પર નજર કરીએ તો ડિઝની પ્લસના ગ્રાહકોમાં 1 ટકાનો ઘટાડો થયો છે.
ડિઝની પ્લસના સબ્સક્રાઈબર્સ ઘટ્યા
ડિઝની પ્લસ માટે આ ખૂબ જ પડકારજનક સમય છે. 31 ડિસેમ્બર 2022 સુધીમાં કંપનીના કુલ ગ્રાહકો ઘટીને 168.1 મિલિયન થઈ ગયા હતા. ગત વર્ષ 2022થી મંદીના વધતા જોખમના અહેવાલો વચ્ચે ઘણી મોટી કંપનીઓએ વર્કફોર્સથી કર્મચારીઓની છટણી કરી દીધી છે. કર્મચારીઓને બહારનો રસ્તો બતાવતા મોટા નામોમાં Facebook, Twitter, Amazon, Alibaba, Google સામેલ છે.