- પરિવારે કપડા અને હાથે પહેરેલા દોરાથી તેઓની ઓળખ કરી…
વડોદરા શહેરના પ્રતાપનદર હેડ કવાટર્સના છેલ્લા 10 દિવસથી ગુમ હેડ કોન્સ્ટેબલનો આજે જામ્બુઆ બ્રિજ નીચેથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
વડોદરામાં એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. બાપોદ પોલીસ સ્ટેશનની પાછળ પોલીસ લાઇનમાં પરિવાર સાથે રહેતા કમલેશભાઇ વસાવા છેલ્લા 10 વર્ષથી વડોદરા પ્રતાપનગર હેડ ક્વાર્ટરમાં નોકરી કરતા હતા. જે છેલ્લા 10 દિવસથી ગુમ થઈ ગયા હતા.
પોલીસ કોન્સ્ટેબલ ગત તારીખ 30 જાન્યુઆરીએ રાત્રે 12 વાગ્યે પત્નીને ‘મને કોઇ મારવા આવે છે, હું નીચે જઇને આવું છું તેમ કહી બાઈક લઇને સીવીલ ડ્રેસમાં નીકળ્યા હતા. બે દિવસ સુધી તેઓ ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ બાપોદ પોલીસને ફરિયાદ કરી હતી. બાપોદ પોલીસ દ્વારા આ મામલે તપાસ કરતા પ્રતાપનગર હેડ ક્વાર્ટરમાં કમલેશ વસાવા 9 જાન્યુઆરીથી માંદગીની રજા પર હોવાનું જાણવા મળ્યું હતુ. બાપોદ પોલીસે વિવિધ લોકોના નિવેદન અને સીસીટીવી આધારે તપાસને આગળ ધપાવી હતી. જે દરમિયાન પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઉતરાયણના દિવસે તેઓની સામાન્ય તકરાર થઈ હતી. પોલીસે કમલેશ વસાવાને શોધવા માટે વિવિધ લોકોની પૂછપરછ કરી હતી. આ મામલે પોલીસને કમલેશભાઈ પાસે મોબાઈલ ન હોવાને કારણે તપાસમાં વિલંબ થઈ રહ્યો હતો.
આ અંગે પોલીસ કમિશનરને જાણ કરાતા કમિશ્નર દ્વારા ગુમ કોન્સ્ટેબલની શોધખોળ માટે તપાસ હાથ ધરી હતી. જેમાં આજે જામ્બુઆ બ્રિજ નીચેથી તેઓનો મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પરિવારે કપડા અને હાથે પહેરેલા દોરાથી તેઓની ઓળખ કરી હતી. સાથે જ કોન્સ્ટેબલના કપડામાંથી આઈ કાર્ડ પણ મળી આવ્યું હતું. પોલીસ કોન્સ્ટેબલ કમલેશ વસાવાના મૃતદેહને પીએમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતદેહને પેનલ પીએમ,વિશેરા અને ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. જેના પરથી કોન્સટેબલની હત્યા થઇ કે તેઓએ આત્મહત્યા કરી તે જાણી શકાશે.




