ભારતમાં દર 12 મિનિટે એક મજૂર આત્મહત્યા કરે છે. ઘણી વખત આ મજૂરોની આત્મહત્યાનું કારણ આર્થિક તંગી પણ જોવા મળતા હોય છે. RBIના નવા રિપોર્ટમાં મજૂરોના વેતનને (Rural daily wages) લઈને ઘણા મોટા ખુલાસા થયા છે. 2021-22ના આંકડા દર્શાવે છે કે, ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા રાજ્યો મજૂરોને દૈનિક વેતન આપવામાં સૌથી પાછળ છે, જ્યારે કેરળ એવું રાજ્ય છે, જ્યાં મજૂરોનું વેતન સૌથી વધુ જોવામાં આવે છે. RBIના રિપોર્ટ અનુસાર, 2021-22માં કૃષિ મજૂરોનું રાષ્ટ્રીય સરેરાશ દૈનિક વેતન 323.2 રૂપિયા હતી. મધ્યપ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં, ખેતમજૂરોની દૈનિક વેતન રૂ.217.8, તો ગુજરાતમાં તે રૂ.220.3 છે. બીજી તરફ, કેરળમાં ગ્રામીણ ખેતમજૂરોને 726.8 રૂપિયા દૈનિક વેતન આપવામાં આવે છે. બાકીના રાજ્યોની વાત કરીએ તો ઓડિશામાં દૈનિક વેતન રૂ.269.5, ત્રિપુરામાં રૂ.270, મહારાષ્ટ્રમાં રૂ.284.2 અને યુપીમાં રૂ.288.0 છેઆ ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને તમિલનાડુએ કેરળ પછી સૌથી વધુ દૈનિક વેતન આપ્યું હતું. જમ્મુ અને કાશ્મીરના ગ્રામીણ વિસ્તારોમાં ખેત મજૂરોને રૂ. 524.6, હિમાચલમાં રૂ. 457.6 અને તમિલનાડુમાં રૂ.445.6 આપવામાં આવે છે.
બાકીના કામદારોની શું હાલત હતી?
બાંધકામના મજૂર: ગ્રામીણ વિસ્તારોમાં બાંધકામમાં રોકાયેલા પુરૂષ મજૂરોને 2021-22માં સરેરાશ દૈનિક વેતન રૂ. 373.3 મળ્યું છે. અહીંયા પણ કેરળ મોખરે છે અને ગુજરાત તેમજ મધ્યપ્રદેશ પાછળ છે. કેરળમાં બાંધકામ કરતા કામદારોને રોજનુ 837.7 રૂપિયા વેતન મળે છે. જ્યારે ગુજરાતમાં દૈનિક વેતન રૂ.295.9 અને MPમાં રૂ.266.7 છે.
બાગાયતી મજૂરો: ગયા વર્ષે, બાગાયતમાં રોકાયેલા મજૂરોનું સરેરાશ દૈનિક વેતન રૂ.329.7 હતું. આ મજૂરોને માત્ર MP અને ગુજરાતમાં જ સૌથી ઓછુ દૈનિક વેતન મળે છે. બાગાયતમાં રોકાયેલા મજૂરોને MPમાં રૂ. 203.5 અને ગુજરાતમાં રૂ. 216.5 મળ્યા છે, જ્યારે કર્ણાટકે મહત્તમ દૈનિક વેતન રૂ. 368.6 આપ્યું છે.
બિનખેતી મજૂરોઃ ખેતી સિવાયના અન્ય કામોમાં રોકાયેલા મજૂરોનું સરેરાશ દૈનિક વેતન રૂ.326.6 છે. અહીં પણ કેરળ ટોચ પર રહ્યું અને MP-ગુજરાત તળિયે રહ્યું છે. કેરળમાં બિન-કૃષિ કામોમાં રોકાયેલા પુરૂષ મજૂરોને 2021-22માં 681.8 રૂપિયા દૈનિક વેતન મળ્યું છે. જ્યારે, MPમાં માત્ર 230.3 અને ગુજરાતમાં 252.5 રૂપિયા મળ્યા છે.




