ગુજરાતના અગ્રણી નેતા પરેશ ધાનાણી સામે તેના જ પૂર્વ ડ્રાઇવરે ચૂંટણી-મેદાનમાં ઝપલાવ્યું છે. SC, ST કે OBC સમાજને ટિકિટ નહિ મળતાં અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હોવાનુ જાણવા મળેલ છે…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અનેક બેઠક પર ભાઈ સામે સગાભાઈ, પિતા સામે પુત્રએ ફોર્મ ભરાવ્યા છે. આ વચ્ચે કોંગ્રેસના ગઢ એવી અમરેલી વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા પરેશધાનાણી સામે તેના જ પૂર્વ ડ્રાઈવરે અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે. જેને લઈ રાજકારણ ગરમાયું છે. અમરેલીમાં કોઈપણ પાર્ટી દ્વારા SC, ST કે OBC સમાજના વ્યક્તિને ટિકિટ આપવામાં ન આવતા અપક્ષમાંથી ડ્રાઈવરે ઉમેદવારી નોંધાવી હતી.

પહેલા તબક્કામાં સમાવેશ પામતી અમરેલી બેઠક પર તા.1 ડિસેમ્બરે મતદાન થશે અમરેલી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની સામે તેના જ કાર ડ્રાઈવર વિનુ ચાવડાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ચારેય તરફ આ ડ્રાઇવર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ ડ્રાઇવર પરેશ ધાનાણીનો અંગત મનાતો હતો. હવે એજ ડ્રાઈવર પરેશ ધાનાણી સામે ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યો છે. 9 વર્ષ સુધી પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની કાર આ ડ્રાઈવર જ ચલાવી રહ્યો હતો. 24 કલાક તેમની સાથે જ રહેતો હતો, જોકે, હાલ તેઓ પરેશ ધાનાણીના ડ્રાઈવર નથી. આ ડ્રાઇવર વિનુ બાબુભાઇ ચાવડા અમરેલી તાલુકાના નવા ખીજડિયા ગામનો રહેવાસી છે. પરેશ ધાનાણીનો ડ્રાઇવર હોવાથી સમગ્ર વિસ્તારમાં તેની ઓળખાણ ઉભી થઇ હતી. ત્યારે પરેશ ધાનાણી વિરૂદ્ધ અપક્ષમાં ફોર્મ ભરતા ફરી ચર્ચામાં આવ્યો છે. જૉકેડ્રાઇવર વિનુ ચાવડાએ જણાવ્યું હતું કે, અમરેલી વિધાનસભા બેઠક પર મે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, પરેશભાઈ સાથે મે 9 વર્ષ સુધી ડ્રાઈવર તરીકે નોકરી કરી છે. અત્યારે તો હું રજા ઉપર છું. પરેશભાઈને તો મે અપક્ષમાં ફોર્મ ભર્યું તે વિશે પહેલા ખબર ન હતી. પરંતું પછી ખબર પડતા જ મને પરેશભાઈનો ફોન આવ્યો અને કહ્યું કે, બેટા તે ઉમેદવારી કરી છે તો મે હા પાડી હતી. ત્યારે પરેશભાઈએ મને આશિર્વાદ આપ્યા અને કહ્યું કે, સારૂ બેટા લોકશાહીમાં તમામને ચૂંટણી લડવાનો અધિકાર છે.




