- પ્લેટફોર્મ નં 1 પર શતાબ્દી એક્સપ્રેસ નીચે જિંદગીએ લીધો અંતિમ શ્વાસ
- પોલીસે વાલીવારસોની શોધખોળ આરંભી
વડોદરા રેલવે સ્ટેશન ઉપર એક બુઝૂર્ગે શતાબ્દી એક્સપ્રેસ નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. જિંદગી અને મોત વચ્ચેનો આ સટાસટીનો ખેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ટ્રેન નીચે પડતું મુકનાર બુઝુર્ગનું મોત થયું હતું. પોલીસે તેઓના વાલી વારસોની શોધખોળ આરંભી છે.
વડોદરા રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 1… જ્યા લોકો પોતાની યાત્રા માટે શતાબ્દી એક્સપ્રેસની રાહ જોઈ રહયા હતા. આ મુસાફરો વચ્ચે એક એવો પણ મુસાફર હતો જે પોતાની અંતિમ સફરની રાહ જોઈ રહ્યો હતો. મુસાફરોને શતાબ્દી એક્સપ્રેસના આગમન સમયે પોતાની મંજીલ દેખાતી હતી પરંતુ આ એક બુઝુર્ગને શતાબ્દી એક્સપ્રેસમાં પોતાની અંતિમ મંજિલ દેખાઈ રહી હતી.જેમ જેમ ટ્રેન નજીક આવતી ગઈ તેમ તેમ બુઝુર્ગ પણ પ્લેટફોર્મના કિનારે જતો ગયો અને જેવી ટ્રેન નજીક આવી આ બુઝુર્ગ ટ્રેન નીચે કૂદી પડ્યો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.
પોલીસે આ ટ્રેન નીચે આવી ગયેલ બુઝુર્ગનો મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. આ બુઝુર્ગ પાસેથી પ્લેટફોર્મ ટિકિટ પણ મળી આવી હતી. જો કે પોલીસે હાલ તેના વાલી વારસોની શોધખોળ આરંભી છે.