Published By : Parul Patel
- બાર્બી ડોલનું 42 હજાર કરોડનું ટર્નઓવર.
- હાલમાં બાર્બી પર બનેલી ફિલ્મે એક અઠવાડિયામાં 4 હજાર કરોડની કરી કમાણી…
- વિશ્વની બીજી સૌથી મોટી કંપની જેને દીકરી માટે બનાવી હતી બાર્બી ડોલ…
મેટેલ…એ કંપની છે જેણે વિશ્વને બાર્બી ડોલ આપી. દીકરી માટે બાર્બી ડોલ બનાવી હતી. અને રમકડાં ક્ષેત્રે વિશ્વની બીજી સૌથી મોટી કંપની બનાવી. 150થી વધુ દેશોમાં ગ્રાહકોને 42 હજાર કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર કર્યું છે. હાલમાં જ આ કંપનીની સૌથી હિટ પ્રોડક્ટ બાર્બી ડોલ પર ફિલ્મ ‘બાર્બી’ બની છે. અને એક અઠવાડિયામાં 4 હજાર કરોડની કમાણી કરી છે, ત્યારથી આ કંપની ફરી ચર્ચામાં છે.
શું છે આ બાર્બી ડોલની કહાની..?
સધર્ન કેલિફોર્નિયામાં રહેતા દંપતી રૂથ અને ઇલિયટ હેન્ડલરે 1945માં રમકડાની કંપની શરૂ કરી હતી. રૂથ વ્યવસાયે ડિઝાઇનર હતી અને ઇલિયટ એન્જિનિયર હતા. રૂથ ક્રિએટિવિટી પર અને ઇલિયટ ઇનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરતાં હતાં. કંપનીએ પિક્ચર ફ્રેમ્સ વેચીને શરૂઆત કરી. પછી ઢીંગલી બનાવવાનું શરૂ કર્યું. તેઓએ સાથે મળીને 40ના દાયકામાં બાળકો માટે ઘણાં રમકડાં બનાવ્યાં. 1955માં કંપનીએ માર્કેટિંગ શરૂ કર્યું. આ માટે મેટલે એક વર્ષ માટે ધ મિકી માઉસ ક્લબ નામનો ટીવી શો સ્પોન્સર કર્યો.
બાર્બીનું નામ કેમ રાખ્યું..?
એક દિવસ રૂથે હેન્ડલરે તેની દીકરી બાર્બરાને કાગળની ઢીંગલી સાથે રમતી જોઈ. આ પછી રૂથને સમજાયું કે બજારમાં આવાં રમકડાંની જરૂર છે. રુથને ઢીંગલી બનાવવાનો વિચાર અહીંથી આવ્યો. તેમણે બાર્બીને જર્મન ઢીંગલી ‘બિલ્ડ લિલી’ની તર્જ પર ડિઝાઇન કરી. આ પાત્ર જર્મન અખબાર ‘બિલ્ડ ઝેઈટંગ’માં પ્રકાશિત થયું હતું. રૂથની કંપનીએ બિલ્ડ લિલીના પાત્રના અધિકારો ખરીદ્યા. આ એ સમય હતો જ્યારે અમેરિકામાં છોકરીઓ માટે એવું કોઈ રમકડું નહોતું, જેનાથી તેઓ તેમની ઉંમર કરતાં મોટી દેખાતી હોય. રુથે આ ગેપ ભરવા માટે ડોલ બનાવી. રૂથ હેન્ડલરે તેની પુત્રી બાર્બરાના નામ પરથી બાર્બી નામ આપ્યું. તે બજારમાં પહેલેથી જ ઉપલબ્ધ ડોલ્સ કરતાં સાવ અલગ હતી.
બાર્બી ડોલ સ્ત્રી જેવી દેખાતી હતી. તેનો પહેરવેશ પણ સ્ત્રી જેવો હતો. તે નોકરી કરનારની ભૂમિકામાં હતી. બાર્બીને એક બોયફ્રેન્ડ પણ હતો. જેનું નામ બેન હતું. શરૂઆતમાં રૂથને સારો પ્રતિસાદ ના મળ્યો. લોકોએ કહ્યું કે કોઈ તેને ખરીદશે નહીં કારણ કે તે સ્ત્રી જેવી લાગે છે. નાની છોકરીઓ તેની સાથે જોડાણ કેવી રીતે અનુભવશે. રૂથે જણાવ્યું કે, શરૂઆતમાં બાર્બરાએ પણ અણગમો દર્શાવ્યો અને શરમમાં પણ મુકાઈ. રૂથનો પુત્ર કેન પણ તેનાથી બહુ ખુશ નહોતો કારણકે તેના બધા મિત્રો તેને બાર્બી વિશે ચીડવતા હતા.
મેટેલને વિશ્વભરમાં ઓળખ આપનાર બાર્બી ડોલ છે.
1959 વર્ષની 9 માર્ચે અમેરિકન ઇન્ટરનેશનલ ટોય ફેસ્ટિવલમાં દુનિયાએ પહેલીવાર બાર્બી ડોલ જોઈ. પ્રથમ બાર્બી ડોલ સોનેરી વાળ સાથે 11 ઇંચ લાંબી હતી. બાર્બી માર્કેટમાં હિટ હતી. મેટેલે બાર્બીનો ઉપયોગ કરીને તેનાં અન્ય રમકડાંનો પ્રચાર પણ શરૂ કર્યો. ધીરે ધીરે, બાર્બી સાથે જોડાયેલાં વધુ પાત્રોની માગ વધવા લાગી. મેટેલે 1961માં બાર્બીના બોયફ્રેન્ડ બેનને પણ લોન્ચ કર્યો. બેનનું નામ રૂથ દ્વારા તેના પુત્ર કેન પરથી રાખવામાં આવ્યું હતું. બાર્બીની બેસ્ટ ફ્રેન્ડ મિજને 1963માં લોન્ચ કરવામાં આવી હતી અને 1964માં બાર્બીની નાની બહેન સ્કીપરને લોન્ચ કરવામાં આવી હતી.
પહેલીવાર બાર્બી ડોલની કિંમત 3 ડોલર એટલે કે 245 રૂપિયા હતી. 2010માં જ્વેલરી ડિઝાઈનર સ્ટેફાનો કૈતુરીની બનાવેલી અત્યાર સુધીની સૌથી મોંઘી છે જેની 2,47 કરોડ રૂપિયામાં તેની હરાજી થઇ હતી. બાર્બી અત્યાર સુધી 200 થી વધુ અવતારમાં લોન્ચ થઇ છે. 1965 માં પહેલીવાર એસ્ટ્રોનોટ, 1973 માં સર્જન બાર્બી, 1985 માં સીઈઓ અને 1992 માં પહેલીવાર બાર્બી પ્રેસિડેન્ટ અવતાર લોન્ચ થયો.
બાર્બી 60ના દાયકામાં ટીકાઓ હેઠળ આવી હતી. 60ના દાયકમાં ફેમિનિઝમે જોર પકડ્યું હતું. જેનું ફોકસ મહિલાઓને સમાન અધિકાર અપાવવા અને તેમની સાથે થતાં ભેદભાવ પર હતું. એવા સમયમાં બાર્બીની આલોચના થવા લાગી. આરોપ હતો કે તે બાળકીઓમાં પોતાના શરીરને લઇને જ હીન ભાવના પેદા કરી રહી છે. બાર્બી ડોલ્સને જે કેરેક્ટરમાં દર્શાવી, તેના ઉપર પણ સવાલ ઊભા થવા લાગ્યા. બાર્બીના સ્કિન કલરને લઇને પણ મહિલા સંગઠને આપત્તિ પ્રકટ કરી. આ સમય સુધી બાર્બી માત્ર ફેર સ્કિન સાથે જ બજારમાં હતી. 60, 70 અને 80ના દાયકામાં મેટેલ વિશ્વની સૌથી મોટી રમકડાં બનાવતી કંપની હતી, પરંતુ બાળકોની દુનિયામાં ટેક્નોલોજી વધુ પ્રચલિત થતાં અને 2000 પછી બાળકોના હાથમાં રમકડાંને બદલે વીડિયો ગેમ્સ આવતા વેચાણ ઓછું થવા લાગ્યું.
આ પછી કંપનીએ 2017માં રિ-લોન્ચ પ્લાન બનાવ્યો. આનાથી બાર્બીના વેચાણમાં સુધારો થયો, પરંતુ ક્રેઝ પહેલાં જેવો રહ્યો નહીં. હવે ગ્રેટા ગેરવિગના નિર્દેશનમાં બનેલી ‘બાર્બી’ ફિલ્મને પણ મેટેલની મોટી માર્કેટિંગ વ્યૂહરચના તરીકે જોવામાં આવી રહી છે.