બોલિવુડની પ્લેબેક સિંગર અલકા યાજ્ઞિકના સૂરીલા અવાજના દરેક લોકો દીવાના છે. ભલે 90નો દાયકો હોય કે આજનો દિવસ, દરેક તેમના ગીતો અને અવાજની પ્રશંસા કરે છે. પોતાના અવાજના દમ પર અલકા યાજ્ઞિક ચાહકોના દિલ પર રાજ કરે છે અને આજે તે એવી કલાકાર બની ગઈ છે જે યુટ્યુબ પર ધૂમ મચાવી રહી છે. અલકા યાજ્ઞિક 14.8 બિલિયન સ્ટ્રીમ્સ સાથે યુટ્યુબ પર સૌથી વધુ સાંભળવામાં આવેલી સિંગર બની ગઈ છે. છેલ્લા 12 મહિનામાં અલકા યાજ્ઞિકને સૌથી વધુ વખત સાંભળવામાં આવી છે. તેથી તે 2022માં વિશ્વની સૌથી વધુ સાંભળવામાં આવેલી કલાકાર બની ગઈ છે.
અલકા યાજ્ઞિક અંગેનો આ ખુલાસો Liberty Games દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટામાં કરવામાં આવ્યો છે. લિબર્ટી ગેમ્સે દરેક દેશના ટોચના સંગીત કલાકારોને શોધવા માટે યુટ્યુબના મ્યુઝિક વીડિયો ચાર્ટમાંથી પ્લે કાઉન્ટનું વિશ્લેષણ કર્યું અને તેના પરિણામો આશ્ચર્યજનક હતા. લિબર્ટી ગેમ્સમાં જાણવા મળ્યું હતું કે વિશ્વભરના ચાર્ટમાં ઈન્ડીઝનું વર્ચસ્વ છે.
લિસ્ટમાં આ સિંગરોના પણ નામ
અલકા યાજ્ઞિક સિવાય આ લિસ્ટમાં અન્ય ભારતીય ગાયકોએ પોતાની જગ્યા બનાવી છે. અરિજીત સિંહ, કુમાર સાનુ અને ઉદિત નારાયણ જેવા સિંગર્સે પણ વિશ્વના ટોપ 10 સૌથી વધુ સાંભળવામાં આવેલા કલાકારોની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે જે આ સિંગર્સના ચાહકો માટે કોઈ સરપ્રાઈઝથી ઓછું નથી.
અલકા યાજ્ઞિકના ટોપ સોન્ગ
અલકા યાજ્ઞિકના ટોપ ગીતોની વાત કરીએ તો ઉદિત નારાયણ અને કુમાર સાનૂ જેવા કલાકારો સાથે ગાયેલા સદાબહાર ગીતોનો સમાવેશ થાય છે. તેમની હિટ લિસ્ટમાં મેરા દિલ ભી કિતના પાગલ હે, ટિપ ટિપ બરસા પાની, એ મેરે હમસફર, કુછ કુછ હોતા હૈ જેવા કેટલાક બ્લોકબસ્ટર ગીતોનો સમાવેશ થાય છે જેણે અલકાને ટોપ સિંગર્સની યાદીમાં પ્રથમ સ્થાન અપાવ્યું છે.