Published By : Patel Shital
- આર્યન મોદીની હત્યામાં સપાટી પર આવ્યું અર્બુદા સેનાનું કનેક્શન…
- ‘કોઈએ દગો કરી ઢોરમાર માર્યો ને મારો નગ્ન વિડિયો ઉતાર્યો’
- માત્ર અને માત્ર એક શંકાને કારણે પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવ્યો…
“..અમે કોઇ દિવસ કોઇને નડ્યા નથી. તેમ છતાં મારા ભાઈને મારી નાખ્યો…” સાહેબ… તે આદર્શ કોલેજમાંથી છૂટ્યો અને તેને મારતાં મારતાં કિડનેપ કરી અજાણ્યા સ્થળે માર માર્યા પછી પોઇઝન પીવડાવ્યું. ઘરે ઊલટીઓ કરતાં તાત્કાલિક દવાખાને લઈ ગયા અને રાત્રે 2 વાગ્યે તેનું મૃત્યુ થઈ ગયું,’ આ લાગણી ભર્યા શબ્દો છે પાલનપુરમાં જેની 16 ફેબ્રુઆરીના રોજ જેની નિર્મમ હત્યા કરવામાં આવી તે આર્યન મોદીની બહેનના…
આ કહેવાતા સુધરેલા સમાજમાં આજે પણ એક છોકરો અને છોકરી વાતચીત કરે તો તેને માત્ર શંકાની નજરે જોવામાં આવે છે. માત્ર એટલું જ નહીં, તેમના વચ્ચે પ્રેમસંબંધો હોવાની શંકા કુશંકા પણ રાખવામાં આવે છે. જો કે આ સ્થિતિ તો બે દાયકા કરતાં પણ વધુ સમયથી બદલાઈ રહી હોવાનું લાગી રહ્યું હતું, પણ ના, હજુ પણ આ પ્રકારના માનસિક બીમાર લોકો સમાજમાં જીવે છે અને તેથી માસૂમ યુવાનોની હત્યા થાય છે. આજ શંકાના આધારે જ અત્યાર સુધી કંઈ કેટલાય યુવક અને યુવતીઓના જીવન બરબાદ કરી દીધા છે. આર્યન મોદીની હત્યા પાછળ કંઈક આવા જ કોઇ શંકાથી પીડાતા લોકોનો હાથ હોય તેમ જણાય રહ્યું છે. પાલનપુરમાં એક આવો જ કિસ્સો સપાટી પર આવ્યો છે. પોતાના સમાજની છોકરી સાથે પ્રેમસંબંધો હોવાની શંકા રાખી 16 ફેબ્રુઆરીના રોજ આર્યન મોદીની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાનો બનાવ સમાજમાં ચાલતી જ્ઞાતિવાદી સંકુચિત માનસિકતાને ઉઘાડી પાડે છે. સૌથી નોંધપાત્ર બાબત તો એ છે કે પાલનપુરના પૂર્વ PI જે.પી. ગોસાઈને આરોપીઓનાં નામ ન જાહેર કરવા બદલ સસ્પેન્ડ કરવા પડ્યા હતા. હવે જો પોલીસ જ ગુન્હેગારોનો સાથ આપે તો પછી સામાન્ય માણસ ન્યાય કોની પાસે માંગવા જાય ?
સાયન્સનો વિધાર્થી આર્યન ભણવામાં ખૂબ હોંશિયાર હતો. તે પાલનપુરની આદર્શ સંકુલમાં B.Sc. કરતો હતો. આર્યન મોદી ભણવામાં એટલો હોશિયાર હતો કે અન્ય વિધાર્થીઓને પણ ભણવામાં સાથ અને સહકાર આપતો તેથી એક છોકરી એસાઇનમેન્ટને લઈ આર્યનના સંપર્કમાં હતી. બન્ને વચ્ચે બસ આટલા જ સંબંધો હતા. પરંતુ અર્બુદા સેનાના હોદ્દેદારો સહિત કુલ 13 શખ્સે પોતાના સમાજની છોકરી સાથે આર્યનના પ્રેમસંબંધો હોવાની શંકા રાખી તેને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. ત્યાર બાદ આર્યન મોદીનું સારવાર દરમિયાન મોત થયું હતું. પાલનપુર તાલુકા PI દેસાઈ અને આર્યન મોદીના દાદા રોહિત મોદીએ દર્દનાક અને લાગણી સભર શબ્દોમાં જણાવ્યુ કે હત્યારાઓએ ‘સહેજ પણ દયા ન કરી, ગુપ્તાંગ સહિતના શરીરના તમામ ભાગે ખૂબ માર મારી હત્યા કરી હતી. મારા ભાઈ ભરતભાઈ મોદીની પાલનપુરમાં ફરસાણની દુકાન છે. તેમનો મોટો દીકરો આર્યન, નાના દીકરા તેમજ પત્ની સાથે પાલનપુરમાં આવેલી રાજકમલ સોસાયટીમાં રહે છે. આર્યન ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. આ ઉપરાંત અન્ય એક્ટિવિટીમાં પણ તે આગળ રહેતો હતો. તે નિઃસ્વાર્થ ભાવે બધી એક્ટિવિટીમાં ભાગ લેતો, ભણવા માટે જ તે અન્ય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતો. આર્યનનો કોઈ વાંક અને યોગ્ય કારણ વગર આ છોકરાને નિર્દયતાથી માર મારવામાં આવ્યો, અને તેને મારી નાખ્યો.
આર્યન મોદીની હત્યા કરવામાં આવી તે દીવસે શું થયું હતું તેની સિલસિલા બધ્ધ વિગત જોતાં તે દિવસે પણ આર્યન રોજની જેમ તેના કોલેજના સમય પ્રમાણે 11:00 વાગ્યે કોલેજ જવા ઘરેથી નીકળ્યો હતો અને કોલેજ પહોંચ્યો હતો. 12 વાગ્યાના સમયની આસપાસ તેના પર એક ફોન આવ્યો અને પૂછ્યું કે ‘તારું નામ આર્યન છે ?, તારા પપ્પા ભરતભાઈ બોલાવે છે’ એમ કહીને એક અજાણી વ્યક્તિએ ફોન કર્યો હતો, જેથી આર્યન અને તેના મિત્ર બંને સાથે કોલેજના ગેટ આગળ ગયા હતા. આર્યન અને તેના મિત્રને આ અજાણી વ્યક્તિએ કારમાં બેસાડીને અજ્ઞાત જગ્યાએ લઈ ગયા હતા, જ્યાં તેને પંચ અને ખીલાસરીથી માર માર્યો હતો અને તેને કંઈક પીવડાવી દીધું હતું. ત્યાર બાદ આરોપીએ તેને તે જ ગાડીમાં પાછો તેની કોલેજ આગળ ઉતારી દીધો હતો. માર મારનારા લોકોને એવું હતું કે આર્યન ઘરે નહીં પહોંચે, પરંતુ આર્યન તેના કોલેજના ગેટથી એક્ટિવા લઈને ઘરે પહોંચ્યો હતો અને ઘરના આંગણામાં પહોંચતાં જ તે ઢળી પડ્યો. તેણે કહ્યું કે ‘કોઈ અજાણી વ્યક્તિએ મને દગો કરી ઢોરમાર માર્યો છે. મારો નગ્ન વીડિયો ઉતાર્યો છે,’ જોકે આ વાતચીત સાંભળતાંની સાથે જ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો હોસ્પિટલમાં જતાં જતાં રસ્તામાં જ તેને ઊલટીઓ શરૂ થઈ ગઈ. ત્યાર બાદ તેને પાલનપુર હોસ્પિટલમાં ICUમાં દાખલ કરાયો હતો. એવી બાબત પણ તપાસ દરમિયાન જણાઈ કે એક પિયૂષ નામનો શખ્સ આર્યન પર વોચ રાખતો હતો. તેણે જયેશને એવી માહિતી આપી કે આર્યન મોદી નામનો છોકરો જે યુવતી સાથે અભ્યાસ કરે છે, તેની સાથે વાત કરે છે, જેથી તેમણે આ વાત અર્બુદા સેનાના વિપુલ ચૌધરીને કરી હતી. ત્યાર બાદ વિપુલ ચૌધરી અને આશિષ બન્ને ભેગા મળીને આર્યન પાલનપુરની જે કોલેજમાં ભણતો હતો, કારમાં બેસાડીને આર્યનનું અપહરણ કરવામાં આવ્યું. ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા બોલ તારે જગાણાની આ છોકરી સાથે શું છે ? ’
પાલનપુર તાલુકા PI એ વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર તપાસ કર્યા બાદ અને આર્યનનો મોબાઈલ નંબર મેળવીને વિપુલ તેની કાર લઈને બીજા દિવસે કોલેજ પહોંચ્યો હતો. જ્યાં તે કોલેજ બહાર કાર પાર્ક કરીને ડમી કાર્ડમાંથી આર્યનને ફોન કરી કહે છે કે ‘ભરત કાકા મોદી બોલું છું, તું ગેટ આગળ આવ, તારું કામ છે’ એટલે આર્યન ગેટ આગળ જાય છે અને ત્યાર બાદ આ વિપુલ આર્યન મોદીને કારમાં બેસાડીને ચર્ચા કરે છે અને પૂછે છે કે બોલ તારે જગાણાની આ છોકરી સાથે શું છે ? પ્રેમસબંધ છે કે કેમ ?, સાચું બોલ એમ કરીને તેને ખખડાવે છે અને ચર્ચા વધુ ઉગ્ર બનતાં તેની જ કોલેજમાં ભણતા તેના એક મિત્રને ફોન કરીને બોલાવે છે, જેથી તેનો મિત્ર આ કાર આગળ પહોંચતાં વિપુલ અને આર્યન કારમાંથી નીચે ઊતરે છે અને ઉગ્ર ચર્ચા બનતાં કારમાં બેસીને ચર્ચા કરીએ એમ કહે છે
‘એક બાદ એક શખ્સને ફોન કરી બોલાવ્યા, આર્યનનો ફોન ચેક કર્યો ’
તાલુકા PI આગળ કહે છે કે ત્યાર બાદ આર્યન અને તેના એક મિત્રને ગાડીમાં બેસાડી દે છે અને કાર ત્યાંથી ડ્રાઇવ કરીને આગળ લઈ જાય છે. આ દરિમયાન ગાડી ચલાવતાં ચલાવતાં બધાને ફોન કરવાનું ચાલુ કરે છે. સૌથી પહેલા વિપુલ જગાણાના રહેવાસી એવા ભાવેશ ચૌધરીને ફોન કરે છે. તેની સાથે વડગામ પાસેના એદ્રના ગામનો સરદાર ચૌધરી પણ તેની જોડે હતો, સાથે જ પાલનપુરના પુષ્પલ ગામના રહેવાસી એવા કલ્પેશને પણ ફોન કરે છે અને બન્નેને તેમની કાર લઈને જગાણા પાટિયાએ આવવા માટે કહે છે. તમામ આરોપી જગાણા પાટિયાએ ભેગા થાય છે અને આ તમામ લોકો ભેગા મળી આર્યન મોદીનો ફોન ચેક કરે છે. આયર્નના મિત્ર વિરલે તેને બચાવવાની કોશિશ કરતાં તેને ધમકી આપે છે કે તારા પણ આવા હાલ થશે, તું સાઈડમાં જતો રહે એમ કરીને સાઈડમાં ઊભો રાખે છે. PI એ.વી. દેસાઈએ વધુમાં જણાવ્યું જો કે રોડ પર જગ્યા સેફના લાગતાં આ તમામ આરોપીઓ જગાણા પાટિયાથી આર્યનને બાજુમાં આવેલા ગામના જ ભાસ્કર ભેમજી ભાઈના ફાર્મહાઉસમાં લઈ જાય છે અને આ દરમિયાન જગાણાથી છોકરીના ભાઈ જગદીશ ચૌધરીને ફોન કરીને બોલાવે છે. ત્યાર બાદ સરદાર ચૌધરી, કલ્પેશ, જગદીશ, વિપુલ, સુરેશ, સરદાર મીર આ તમામ આરોપીઓ ભેગા થઈને આર્યનને મારવાનું શરૂ કરે છે અને ખીલાસળી તેમજ દૂધ સાફ કરવાના સળિયાથી બરહેમીપૂર્વક માર મારે છે. 6 થી 7 લોકોએ ઢોરમાર માર્યા બાદ આરોપીઓ આર્યનને નજીકમાં આવેલી ઓરડીમાં લઈ જઈ તેને નગ્ન કરી તેનો વિડિયો ઉતારે છે અને તેને કહે છે કે બોલ ભૂલ થઈ ગઈ હવે વાત નહીં કરું અને તેને ધમકી આપે છે કે જો આ વાત કોઈને કહીશ તો તારો વિડિયો અમે વાઇરલ કરી દઈશું. નાકમાંથી લોહી નીકળતું હોવાથી તેનું નાક ધોવડાવે છે અને પછી તેને આદર્શ કોલેજ સુધી મૂકતા આવે છે. ત્યાર બાદ આર્યન મોદી જેમ તેમ ઘરે જાય છે અને હોસ્પિટલમાં તેનુ મોત નિપજ્યું હતું. આર્યનને મોતને ઘાટ ઉતારનારા આરોપીઓમાં
જગદીશ ભીખાભાઇ જાતે જુડાળ(ચૌધરી) (ઉં.વ.24) ધંધો-અભ્યાસ, રહે. જગાણા, તા. પાલનપુર
વિપુલ ગણેશભાઈ જાતે કોરાટ(ચૌધરી) (ઉં.વ.23) ધંધો-ખેતી, રહે. ચંગવાડા, તા. વડગામ
ભાવેશ મોઘજીભાઈ જાતે કરેણ(ચૌધરી) ધંધો-ખેતી, રહે. જગાણા, તા. પાલનપુર
કલ્પેશ લક્ષ્મણભાઇ જાતે ગુડોલ(ચૌધરી) (ઉં.વ.24), ધંધો-વેપાર, રહે. કુસ્કલ, તા. પાલનપુર
લક્ષ્મણ શામળભાઈ જાતે જુડાલ(ચૌધરી) (ઉં.વ.28), ધંધો-ખેતી, રહે. વેસા, તા. વડગામ
સરદારભાઈ ગણેશભાઇ જાતે.મીર ચૌધરી, (ઉં.વ.49), ધંધો-ખેતી રહે. ગીડાસણ, તા. વડગામ તથા
ભાસ્કર ભેમજીભાઇ જાતે ચૌધરી (ઉં.વ.30) ધંધો-વકીલાત, રહે. જગાણા તા. પાલનપુર
આશિષ હરિભાઇ જાતે ઉપલાણા ચૌધરી (ઉં.વ.20) ધંધો-વેપાર, રહે. ચંગવાડા, તા.વડગામ
સરદાર વાલજીભાઈ જાતે ચૌધરી ધંધો-ખેતી, રહે. એદ્રાણા, તા. વડગામ
સુરેશ સરદારભાઇ કાથરોટિયા ચૌધરી (ઉં.વ.26) ધંધો.-પ્રા.નોકરી, રહે.પટોસણ, તા. પાલનપુર
જયેશકુમાર નરસંગભાઇ જાતે ચૌધરી રહે. ઉધગમની શેણી, જગાણા, તા.પાલનપુર
પિયૂષકુમાર દાનસંગભાઇ જાતે ચૌધરી ધંધો-અભ્યાસ, રહે. જગાણા, તા.પાલનપુર
મનીષ જેસુગભાઇ પવાયા (ચૌધરી) (ઉં વ.27) ધંધો-પ્રા.નોકરી, રહે. ટાકરવાડા (રામનગર) તા. પાલનપુર નો સમાવેશ થાય છે જે તમામ પોલીસ હિરાસતમાં છે.