Published By : Patel Shital
- સોસાયટીના સંચાલક મંડળે પાણી માટે માનસિક ત્રાસ ગુજાર્યો….
- કંટાળીને ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું…
- સ્યુસાઈડ નોટ મળી આવી…
સોસાયટીના મંડળ દ્વારા પાણી માટે માનસિક ત્રાસ આપવામાં આવતાં પોલીસ અરજી કરવામાં આવી હતી. તેમ છતાં કોઇ નિરાકરણ ન આવતાં છેવટે ઝેર ગટગટાવી આત્મહત્યા કરી હોવાનો કરુણ બનાવ રાજકોટ ખાતે બન્યો હતો. આ બનાવમાં સ્યુસાઈડનોટ મળી આવી હતી.
રાજકોટમાં રહેતા જીતેન્દ્ર સગપરીયાને સોસાયટીમાં મંડળ દ્વારા પાણી અંગે ત્રાસ આપવામાં આવતો હતો. જેથી જીતેન્દ્રએ પોલીસ ખાતામાં અરજી આપી ફરિયાદ કરી હતી પરંતુ કોઇ ફરક ન પડતા અને માનસિક ત્રાસ વધતાં છેવટે જીતેન્દ્રએ ઝેર ગટગટાવી જીવન ટૂંકાવી લીધું હતું. મળેલ સ્યુસાઈડ નોટમાં જણાવ્યું છે કે હું સગપરીયા જીતેન્દ્ર લક્ષમણભાઇ માનસિક પરેશાની ભોગવુ છું. કારણ મારી સોસાયટીમાં ગેરકાયદે ચાલતી કમિટિના પ્રમુખ, ઉપપ્રમુખ તથા દરેકની હાજરીમાં ઉપપ્રમુખે જાહેરમાં મને મેઇન ગેઇટથી અંદર પાણી મારા ઘર સુધી ન આવે તેવી ખુલ્લી ધમકી આપી હતી. હું હાલ ઇ વિંગમાં ભાડેથી રહું છું, તે બળજબરીથી ખાલી કરાવવા દબાણ કરાયું હતું. બીજા બધાને પાણી મળે છે પરંતુ મારા ઘરમાં આ લોકો પાણી આપતાં ન હોવાથી મારે વેંચાતુ લેવું પડે છે. મેં મારા ફલેટ નં. 105 નો મ્યુ. કોર્પોરેશનનો વેરો પણ ભરી દીધો છે. તેમજ અગાઉ પોલીસમાં અરજી પણ કરી હતી. સોસાયટીમાં ગેરકાયદે ચાલતી કમિટિ પોતાની ધાક જમાવવા એક પછી એક ઘરને કાઢવાની જોહુકમી ચલાવે છે.

હાલ વિંગના દરેક ઘરને પાણી મળે છે. મારે પાણી વેંચાતુ લઇને જરૂરિયાત પુરી પાડવી પડે છે. મારું પાણી ઢોળીને આ લોકો મારા પર અત્યાચાર ગુજારે છે, મને આ રીતે હેરાન કરવા માટે અહીંની કમિટિ જવાબદાર છે. મને સોસાયટીમાંથી કાઢવા માંગે છે. મારી ઉપર શામ-દામ-દંડની નીતિ અપનાવી અત્યાચાર ગુજારે છે. હું એટલો કંટાળી ગયો છું કે મેં ફરિયાદ કરવા છતાં તેમાંથી આ લોકો છટકી જાય છે. મને પાણી વિના મારવા માંગે છે, તો હું ઝેર પીને આત્મહત્યા કરુ છું. આ પગલું ભરવા માટે મને મજબૂર કરનારને સરકાર સજા આપે અને કડક સજા થાય તેવી મારી અપીલ છે. મારા પરિવારને ન્યાય આપજો. આ માટે જવાબદાર કમિટિના પ્રમુખ, ઉપપ્રમુખ, વિંગના લોકો જવાબદાર છે.
લિ. જીતેન્દ્ર લક્ષમણભાઇ સગપરીયા
રાત્રે સારવાર દરમિયાન જીતેન્દ્રનું સારવાર દરમિયાન મોત નીપજતાં ભક્તિનગર પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરીને તેમની સ્યુસાઇડ નોટના આધારે જ પોલીસમાં આ માટે જવાબદારો સામે ગુન્હો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.




