Published by : Rana Kajal
વડોદરા સહિત દેશભરમાં હાલ લગ્નની મોસમ ખીલી છે. ત્યારે લગ્ન પ્રસંગમાં વરવધુને મળતી ભેંટ સોગાદો પર તસ્કરોની નજર છે. વડોદરામાં આયોજિત લગ્ન પ્રસંગમાં વર વધુને મળેલી ભેટ સોગાદ ભરેલો થેલો ગાયબ થતાં પરિજનોએ શોધખોળ હાથ ધરી હતી. આ અંગે સીસીટીવી ચેક કરવામાં આવતા અંદાજે 13 વર્ષની ઉંમરનો બાળતસ્કર કિંમતી સામાન ભરેલો થેલો લઇને જતો જોવા મળ્યો હતો. આ અંગે પરિવારના મોભીએ હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હરણી પોલીસ મથકમાં મદનમોહન રામગોપાલ શર્મા (ઉં.71) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ શ્રેણીક પાર્કમાં રહે છે. અને રણોલી જીઆઇડીસીમાં પ્લાસ્ટીકની ફેક્ટરી ધરાવે છે. 9 ફેબ્રુઆરીના રોજ તેમના દિકરાનો લગ્ન પ્રસંગ હતો. આ પ્રસંગ હરણી મોટનાથ રોડ પર આવેલા નક્ષત્ર પાર્ટી પ્લોટમાં આયોજિત કરવામાં આવ્યો હતો. નિમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં પાર્ટી પ્લોટમાં હાજર હતા. મહેમાનો વરવધુને આશીર્વાદ આપવાની સાથે ભેટ સોગાદો પણ આપતા હતા. આ બધી સોગાદોને એક બેગમાં મુકવામાં આવી હતી.
પ્રસંગ બાદ આ બેગ ગાયબ થયાનું ધ્યાને આવતા તમામ દોડતા થયા હતા અને બેગની ભાળ મેળવવા માટે પાર્ટી પ્લોટના સીસીટીવી તપાસ્યા હતા. તેવામાં ધ્યાને આવ્યું કે, પ્રસંગ દરમિયાન 10.15 કલાકે આશરે 12 વર્ષની ઉંમરનો બાળક મહેમાનો દ્વારા વરવધુને આપવામાં આવેલી ભેટ સોગાદો ભરેલી બેગ લઇને પાર્ટી પ્લોટની બહાર નીકળતો દેખાયો હતો. આ થેલામાં કવર મળીને અંદાજીત રૂ. 1.50 લાખનો સામાન હોવાનું અનુમાન છે.
સમગ્ર મામલે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી છે. અને બાળ તસ્કરની ભાળ મેળવવાની તજવીજ હાથ ધરી છે.