Published by : Rana kajal
વડોદરા શહેરના છાણી ટીપી-13માં રેલવે ગરનાળા પાસે નર્મદા કેનાલ પર રવિવારે સાંજે સાઇકલિંગ કરવા નીકળેલા ધો.11 અને 12ના બે વિદ્યાર્થી સેલ્ફી લેવા જતાં કેનાલમાં પડ્યા હતા. જેમાં એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો જ્યારે બીજાની શોધખોળ હજુ જારી છે.
વડોદરાના નિઝામપુરા ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતો અને ડીઆર પટેલ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો દેવ મોરે તેના વિસ્તારમાં સર્વોદય સોસાયટીમાં રહેતો અને ધો.11માં ભણતો પ્રભદેવસિંગ રવિવારે સાંજે 6 વાગે ઘરેથી છાણી કેનાલ પાસે સાઇકલિંગ કરવા નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ સાંજે ડૂબતા સૂરજ સાથે કેનાલની સેલ્ફી લેવા સાઇકલ સાથે કેનાલની પાળી પર ચડીને ઉભા રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી એક પૂર ઝડપે કાર પસાર થઈ હતી. જેથી બંને અચાનક ડરી જતાં કેનાલમાં 10 ફૂટ ઊંડા પાણીમાં ખાબક્યા હતા.

શ્રમજીવીએ એકને બચાવી લીધો
બંનને ડૂબતા જોઈ નજીકમાં રહેતા શ્રમજીવીઓ દોડી આવ્યા હતા. પહેલાં તેમણે બંનેને બચાવવા માટે સાડી પાણીમાં ફેંકી હતી. પરંતુ, સાડી ટૂંકી પડતા એક શ્રમજીવી કેનાલમાં કૂદ્યો હતો અને પ્રભદેવસિંગને બચાવી લીધો હતો. જ્યારે દેવ મોરેનો પત્તો લાગ્યો ન હતો. આ અંગે બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા રાત પડી ગઈ હોવાથી લાશ્કરોએ ફ્લડ લાઇટ લગાવી વિદ્યાર્થીની શોધખોળ કરી હતી. જોકે, તેનો પત્તો લાગ્યો નહોતો, પણ પાણીમાંથી સાઇકલ મળી હતી.