Published by : Rana Kajal
દિન પ્રતિદિન હીટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો થઈ રહયો છે. રાત્રીના સમયે વડોદરા જેવા મહાનગરમાં પણ હિટ એન્ડ રનની ઘટનાઓ બનતા હવે માર્ગ સલામતી સામે પ્રશ્નો ખડા થયા છે…
વડોદરાના અકોટા-મુજમહુડા રોડ પર નશામાં ધૂત BMW કારના ચાલકે બાઇક પર જતાં દંપતીને ગત રાત્રે અડફેટે લીધું હતું. જેમાં પત્નીનું મોત નિપજ્યું છે. પોલીસે આ મામલે કારમાં સવાર ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. કારમાં સવાર ચારેય દારૂના નશામાં હોવાનુ જણાયું હતું બનાવ અંગે વધુમા જોતા વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલ સિધરા એપાર્ટમેન્ટમાં રહેતા અયાજ અહેમદ શેખ અને તેમની પત્ની શાહીન ગત રાત્રે તેમના સાઢુભાઇને મળવા ગયા હતા. આ દરમિયાન રાત્રે નવ વાગ્યા આસપાસ રસ્તામાં આર.સી.એસ્ટેટ પાસે આવેલ નાયરા પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવી મુજમહુડા અકોટા રોડ પરથી પસાર થતાં મુજમહુડા તરફથી પૂરપાટ આવતી BMW કારે બાઇકસવાર દંપતિને ટક્કર મારી હતી. જેથી દંપતી કારના આગળના કાચ પર અથડાઇ ફંગોળાઇને નીચે પટકાયું હતું.
અકસ્માતને પગલે અયાજ શેખને માથા, નાક અને પગે ઇજાઓ થઇ હતી તથા મોઢામાંથી લોહી નિકળવા લાગ્યું હતું. જ્યારે તેમની પત્ની શાહીનને પણ માથા તથા પગે ગંભીર ઇજાઓ થતાં લોહીલુહાણ થઇ ગઇ હતી. બનાવને પગેલ ત્યાંથી પસાર થતાં લોકો એકત્ર થઇ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સને કોલ કરતા દંપતિને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જેમાં શાહીન શેખનું ICUમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.પોલીસે આ બનાવ અંગે BMWના કાર ચાલક સ્નેહલ જિગ્નેશભાઇ પટેલ (રહે. અંબિકા નિકેતન સોસાયટી, મકરપુરા, વડોદરા)ની ધરપકડ કરી છે. સ્નેહલ પટેલ છાણી વિસ્તારમાં આવેલ કારના શો રૂમમાં નોકરી કરે છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ કાર સ્નેહલના મિત્રની હતી અને સ્નેહલ કાર લઇને નિકળ્યો હતો. જૉકે કારમા સવાર તમામ નશામા હોવાનું જણાયુ હતુ