વડોદરા વિશ્વામિત્રી નદી એ મગરોનું ઘર માનવામાં આવે છે. અને અનેકવાર મગર મનુષ્ય પર હુમલો કરતાં હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે વડોદરા ખાતે એક વ્યક્તિને મગર ખેંચી ગયો હતો જો કે વડોરા ફાયર વિભાગની ટીમે તેને બચાવી લીધો હતો અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરના પોલીસ કંટ્રોલ રૂમને કોલ મળ્યો હતો કે હૈદરભાઈની ચાલી પરશુરામ ભટ્ટા પાસે એક વ્યક્તિને મગર દબોચી કોતરમાં ખેંચી લઈ ગયો છે જે કોલ ફાયર બ્રિગેડ કન્ટ્રોલ રૂમને ડાયવર્ટ કરાયો હતો.
કોલ મળતાની સાથે જ દાંડિયાબજાર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જોતાં એક મગરે એક વ્યક્તિને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. જો કે ફાયર વિભાગની ટીમે આ વ્યક્તિને બચાવી સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો છે. મગર જે વ્યક્તિ ને ખેંચી લઇ ગયો તે વ્યક્તિ કોણ છે તે જાણવા મળ્યું નથી પરંતુ વ્યક્તિને ફાયર વિભાગના જવાનો અને હેમંત વઢવાણાની ટીમ દ્વારા બચાવી લેવાયો છે.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)