- મૃતકો અને ઈજાગ્રસ્તોને નિયમોનુસાર સહાય કરશે રાજસ્થાન સરકાર : રામલાલ જાટ
વડોદરા ખાતે કપુરાઈ ચોકડી નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતના મામલામાં રાજસ્થાનના રેવન્યુ મિનિસ્ટર રામલાલ જાટ વડોદરા ખાતે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. તેઓએ ઇજાગ્રસ્તો તેમજ મૃતકોને નિયમોનુસાર સહાય આપવાની ખાતરી આપી હતી.
વડોદરાના કપુરાઈ બ્રિજ નેશનલ હાઇવે પાસે રાજસ્થાન ભીલવાડાથી બોમ્બે જતી લકઝરી બસ ટ્રક પાછળ ઘૂસતા છના મોત થયા હતા. જ્યારે આ અકસ્માતમાં 1૩ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી જાણકારી અનુસાર, આ દરમિયાન વડોદરાના કપુરાઈ બ્રિજ પાસે ઓવરટેક કરતા સમયે ઘઉં ભરેલા ટ્રક પાછળ બસ ઘૂસી ગઇ હતી.. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ છ લોકોના મોત નિપજ્યા હતા તેમજ બસના પતરા કાપીને ઇજાગ્રસ્તોને બહાર કઢાયા હતા.

ઘટનાની જાણ થતા જ શહેર ટ્રાફિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી કરી હતી. હાલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રાજસ્થાનના રેવન્યુ મંત્રી રામલાલ જાટ ઘટનાના પગલે તાબડતોબ વડોદરા દોડી આવ્યા હતા અને SSG હોસ્પિટલ ખાતે પહોંચી જઈ ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. રેવન્યુ મંત્રી રામલાલ જાટ હોસ્પિટલ ખાતે નિવેદન આપ્યું હતું કે ઘાયલોનો ઈલાજ યોગ્ય રીતે થાય તેના માટે મુખ્યમંત્રીએ તેઓને અહિયા મોકલ્યા છે. રાજસ્થાન સરકાર નિયમાનુસાર મૃતકો અને ઇજગ્રસ્તોને સહાય કરશે. ગુજરાત સરકારે તેમના નિયમો મુજબ કાર્યવાહી કરવી જોઈએ. તેમ તેઓએ ઉમેર્યું હતું. અકસ્માતમાં રસ્તા પર પાર્ક કરનાર ડ્રાઈવર ટ્રક લઈને ફરાર થયો છે. પોલીસ આ કેસમાં તપાસ ચલાવી કરી રહી છે.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)




