Home Bharuch વડોદરા રેન્જમાં સાયબર ક્રાઇમમાં અવ્વલ ભરૂચ જિલ્લો…

વડોદરા રેન્જમાં સાયબર ક્રાઇમમાં અવ્વલ ભરૂચ જિલ્લો…

0
  • માત્ર બે વર્ષમાં ૯૯ સાયબર ક્રાઇમની ફરિયાદો
  • ૬૦ ગુના હજી પણ વણઉકેલ્યા…

ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર, વડોદરા જિલ્લામાં સોશિયલ મિડીયા, ઓનલાઈન, અને ન્યુડ વિડિયોકોલથી છેતરપીંડીના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.

રાજયમાં હત્યા, મારઝૂડ, ચોરી, લૂંટ, અપહરણ તેમજ છેતરપિંડી ઉપરાંત હવે ઓનલાઈન ફ્રોડ, સાયબર ક્રાઇમને લગતા ગુનાઓનો વ્યાપ વધી રહ્યો છે. આ કારણથી ગૃહવિભાગે દેશના દરેક રાજ્યમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનો ખોલવાની ફરજ પડી છે. વડોદરા રેન્જના ચાર જિલ્લાઓ ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર, વડોદરામાટે બે વર્ષ પહેલાં જ વડોદરામાં કોઠી કચેરી ખાતે શરૂ કરાયેલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો અને અરજીઓનો ઢગલો થવા માંડયો છે. વડોદરા રેન્જમાં સાયબર ક્રાઇમ સંબંધી સૌથી વધુ ગુનાઓ ભરૂચ જિલ્લામાં નોંધાયા છે. છેલ્લા સાત વર્ષના આંકડા પર નજર કરીયે તો ભરૂચમાં વર્ષ-૨૦૧૫માં ૨૪ ગુના અને વર્ષ-૨૦૧૯માં ૩૨ ગુના નોંધાયા હતા. જ્યારે છેલ્લા બે વર્ષમાં ૫૦ ગુનાઓ નોધાયા છે. તો આવી જ રીતે વડોદરા ગ્રામ્યમાં વર્ષ-૨૦૧૫માં ૩ ગુના અને ૨૦૧૯માં ૧૧ ગુના તેમજ છેલ્લા બે વર્ષમાં ૨૫ ગુના નોંધાયા છે.

આ ચાર જિલ્લાઓમાં વર્ષ-૨૦૧૫થી ૨૦૧૯ સુધી કુલ ૧૫૪ ગુના નોંધાયા હતા જે પૈકી ૧૧૭ ગુનાઓનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હતો જ્યારે વડોદરા ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ થયા બાદ આજ દિન સુધી કુલ ૯૯ ગુના નોંધાયા છે અને ૩૫ ગુનાનો ભેદ ઉકેલાયો છે જ્યારે હજી પણ ૬૦ ગુના વણઉકેલ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં નોંધવામાં આવતા ગુનાઓની પેટર્ન જોતા હાલના સંજોગોમાં એકંદરે ૩૭ પ્રકારના સાયબર ક્રાઇમ થાય છે. આ ગુનાઓમાં ઓટીપી નંબર મેળવી ઓનલાઇન છેતરપિંડી, ફોનથી બેંકના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો પાસવર્ડ, ઉપરાંત સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવવા ઉપરાંત લકી મેગા ડ્રો, ન્યૂડ વીડિયોકોલ, બેંક કર્મચારીની ઓળખ આપી થતી છેતરપિંડી, સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરી પૈસા માંગવા સહિતનો સમાવેશ થાય છે.

ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર, વડોદરા જિલ્લામાં રહેતા કોઈ પણ સાયબર ક્રાઇમનો ભોગ બને તો તાત્કાલિક વડોદરા રેન્જ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરે છે અને તેને પોતે ગુમાવેલી રકમ પરત મળવાની આશા રહેતી હોય છે. ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં પણ સ્થાનિક કક્ષાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં થયેલી અરજી બાદ તુરંત પગલા લઇ અરજદારોને બે વર્ષમાં કુલ રૂ.૬૫.૦૯ લાખ રકમ પોતાના એકાઉન્ટમાં પરત મળી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમને લગતા નોંધાયેલા કુલ ગુનામાં ૬૯ ભેજાબાજોને ઝડપી પાડવામાં આવ્યા છે.

વડોદરા રેન્જ સાયબર ક્રાઇમ પાસે ડીલીટેડ ડેટા રીકવર કરી શકે તેવું અંદાજિત ૧૨ લાખની કિંમત ધરાવતું યુફ્રેડ સોફ્ટવેર છે. આ સોફ્ટવેર દ્વારા કોઇપણ કંપનીના મોબાઇલ, સીમ કાર્ડ, મેમરી કાર્ડ, ડ્રોન, કેમેરા, પેન ડ્રાઇવ, હાર્ડ ડ્રાઇવ, લેપટોપ જેવા તમામ ઇલેક્ટ્રોનિક ડિવાઇસમાંથી અલગ-અલગ ૮ જેટલા પ્રકારે ડેટા રિકવર કરી શકાય છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version