- કોઈ જાનહાનિ નહિ…
- માર્ગની બંને તરફ ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ
વલસાડના કપરાડા ગામના નાનાપોઢા રોડ પર ખાંડ ભરેલી ટ્રકમાં ભીષણ આગ લાગતા અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
આજરોજ ટ્રક ડ્રાઈવર ટ્રકમાં ખાંડ ભરીને નાસિકથી સુરત જઈ રહ્યો હતો. તે દરમિયાન વલસાડના કપરાડા ગામના નાનાપોઢા રોડ પર અચાનક ટ્રકમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે મુખ્ય માર્ગ ઉપર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર આગને પગલે લોકોએ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. જે બાદ પણ લાંબા સમય સુધી ફાયર બ્રિગેડ ન પહોંચતા આખી ટ્રક આગમાં બળીને રાખ થઈ ગયો હતો. બીજી તરફ ટ્રક ચાલક સમય સૂચકતા વાપરી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. જેને પગલે તેનો જીવ બચી ગયો હતો. સદનસીબે કોઈને પણ જાનહાનિ નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે ઘટના મુખ્ય માર્ગ પર સર્જાઈ હતી. માર્ગની બંને તરફ ટ્રાફિક જામ સર્જાયો હતો.