જ્યારે આપણે કોઈપણ વાહન લઈને રસ્તા પર જતા હોય ત્યારે આપણી પાસે બધા જ કાગળ હોય છે જેનાથી પોલીસ દંડ ન ફટકારે. તો બીજી તરફ લોકો પણ હવે આ બાબતને લઇને જાગૃત થઇ રહ્યા છે. એક શખ્સ પાસે બધા કાગળ હોવા છતાં પણ પોલીસે દંડ ફટકાર્યો હતો. દંડ ફટકારવાનું કારણ એ હતું કે, શખ્સનાં વાહનમાં પુરતું પેટ્રોલ ન હતું. કેરળ ટ્રાફિક પોલીસ દ્રારા મોકલવામાં આવેલી ઇ-ચલણને તે શખ્સે ફેસબુક પર પોસ્ટ કરી હતી. આ શખ્સની ઓળખ બાસીલ શ્યામ તરીકે થઇ હતી.
પુરતું પેટ્રોલ ન હોવાને કારણે
BikeDekho રિપોર્ટ અનુસાર, જે વ્યક્તિને દંડ કરવામાં આવ્યો છે તે રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 બાઇક પર સવાર થઇને પોતાના કાર્યસ્થળ તરફ જઇ રહ્યો હતો ત્યારે વનવે રસ્તા પર સ્થાનિક ટ્રાફિક પોલીસે રોક્યો હતો. ત્યારબાદ તેને આ ગુના બદલ 250 રૂપિયાનો દંડ ભરવાનું કહેવામાં આવ્યું હતું. આ વ્યક્તિએ નિયમનું યોગ્ય રીતે પાલન કર્યું હતું. શ્યામે જણાવ્યું હતું કે જ્યારે તે પોતાના કાર્યસ્થળ પર પહોંચ્યો ત્યારે તેણે ટ્રાફિક સ્લિપ જોઇને આંચકો લાગ્યો હતો. તો પોલીસે ચલણ કાપવાનું કારણ લખ્યું હતું કે, ‘વાહનમાં પુરતું પેટ્રોલ ન હોવાને કારણે.’
ભારતીય મોટર એક્ટમાં આવી કોઈ કલમનો ઉલ્લેખ નથી
ટ્રાફિક પોલીસે આપેલી રિસિપ્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે, બાઇકમાં પુરતા પ્રમાણમાં પેટ્રોલ ન હોવાને કારણે આ ચલણ આપવામાં આવ્યું છે. જો કે, ભારતીય મોટર વાહન અધિનિયમ અથવા રાજ્યના કાયદામાં એવી કોઈ કલમ નથી કે જે વ્યક્તિને ઓછા બળતણથી વાહન ચલાવવા પર પ્રતિબંધ મૂકે. આ સાથે જ એક વ્યક્તિએ દાવો કર્યો કે કેરળમાં કોમર્શિયલ વાહનો માટે નિયમ છે કે બસ, કાર, વાન કે ઓટોમાં પેટ્રોલ ન હોય તો તેમના પર 250 રૂપિયાનો દંડ થઈ શકે છે.