Published By : Patel Shital
- હવે સડસડાટ વાહન ચલાવી શકાશે…
- એક વર્ષ બાદ નહીં આવે ટોલ નાકું…
દેશના વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર સાંપડી રહ્યાં છે હવે રસ્તા પર ટોલ બૂથ જ નહીં આવે, વાહન સડસડાટ પસાર થઈ શકશે. એક્સપ્રેસ-વે પર ચાલતા લોકોને ટૂંક સમયમાં ટોલ બ્લોક પર લાઈનોમાં ઉભા રહેવાથી છુટકારો મળી જાય તેવી શકયતા જણાઈ રહી છે. આ માટે સરકાર ટોલ વસૂલવા માટે 2 નવી પદ્ધતિઓ અમલમાં લાવવાની યોજના બનાવી રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ટોલ વસૂલવા માટે ટેક્નોલોજીમાં ખુબ મોટા ફેરફાર કરવામાં આવશે.
મંત્રીએ જણાવ્યું છે કે એક વર્ષની અંદર ટોલ બૂથની જગ્યાએ GPS આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવશે. મંત્રીએ લોકસભામાં એક નિવેદનમાં કહ્યું, “હું ગૃહને ખાતરી આપવા માંગુ છું કે દેશમાંથી એક વર્ષની અંદર ટોલ બૂથ નાબૂદ કરવામાં આવશે. મતલબ કે ટોલ કલેક્શન GPS દ્વારા થશે. પૈસા GPS ઇમેજિંગ (વાહનો પર)ના આધારે લેવામાં આવશે.” ગડકરીએ ગયા વર્ષના અંતમાં કહ્યું હતું કે ટોલ વસૂલાત માટે નવી ટેક્નોલોજી પર કામ ચાલી રહ્યું છે. તેણે કહ્યું હતું કે નંબર પ્લેટની ટેક્નોલોજી સારી છે. ગડકરીના મતે ટોલ માટે કોમ્પ્યુટરાઈઝ્ડ ડિજીટલ સિસ્ટમ બનાવવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે સરકાર ટોલ વસૂલવા માટે બે વિકલ્પો પર વિચાર કરી રહી છે. પહેલો વિકલ્પ એ છે કે જેમાં કારના GPS વાહન માલિકના બેંક ખાતામાંથી સીધા ટોલ વસૂલવામાં મદદ કરશે. બીજો વિકલ્પ નંબર પ્લેટનો છે. જેમાં જૂની નંબર પ્લેટને બદલીને નવી પ્લેટ લગાવવામાં આવશે અને ત્યારબાદ કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ દ્વારા સોફ્ટવેરની મદદથી ટોલ વસૂલવામાં આવશે. જો કે મંત્રીએ એમ પણ કહ્યું હતું કે આ અંગે હજુ ચર્ચા ચાલી રહી છે અને આમાંથી કયો વિકલ્પ પસંદ કરવામાં આવશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.