ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે અનેક રાજકીય પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીના જ્ઞાતિના સમીકરણોમાં બ્રાહ્મણોનું કેટલું વર્ચસ્વ છે તે જાણીએ. ભાજપ કરતાં ય સવિશેષ તો તેની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બ્રાહ્મણવાદી સંગઠન ગણાય છે. સંઘ ભલે પોતાની સામાજિક સમરસતાની છબિ અંગે ગમે એટલા પ્રયાસો કે દાવા કરે, પરંતુ તેની પ્રચલિત છાપ બ્રાહ્મણોના વર્ચસ્વની રહી છે.
ગુજરાતમાં ભાજપના આરંભિક કાળથી આજ સુધી બ્રાહ્મણો તેની કમિટેડ વોટબેન્ક ગણાય છે, પરંતુ બ્રાહ્મણોને પૂરતું પ્રતિનિધિત્વ નથી મળતું એ વાત પણ સાચી છે. આ વખતે આમઆદમી પાર્ટીની હાજરી ભાજપના વિકલ્પ તરીકે ન ઊભરે એ માટે ભાજપે પોતાની કમિટેડ વોટબેન્ક સાચવવા નવેસરથી વ્યૂહરચના અપનાવી છે એટલે જ ગયા વખતે 2017માં ભાજપે 9 બ્રાહ્મણને ટિકિટ આપી હતી, આ વખતે 13 બ્રાહ્મણને ટિકિટ આપી છે.
ગુજરાતમાં બ્રાહ્મણ, વાણિયા, સોની, લોહાણા જેવા સવર્ણ મતદારોની સંખ્યા આશરે 11% જેટલી છે. ક્ષત્રિયો 6% જેટલા હોવાનું મનાય છે. જે બેઠકો પર જ્ઞાતિ સમીકરણો ખાસ અસ્તિત્વમાં ન હોય ત્યાં બ્રાહ્મણ ઉમેદવારોને તક મળતી રહે છે. વડોદરાની રાવપુરા બેઠક પરથી ધારાસભ્ય, મંત્રી બનેલા રાજેન્દ્ર ત્રિવેદી તેનું ઉદાહરણ છે. વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટ પણ જ્ઞાતિવાદી સમીકરણોની ગેરહાજરીમાં લોકસભા સુધી પહોંચી શક્યાં છે. એ જ રીતે ડો. નીમાબહેન આચાર્ય પણ જ્ઞાતિ સમીકરણો વગર પણ ધારાસભ્ય બન્યાં છે.
UPની ચૂંટણીમાં બ્રાહ્મણોના મત માટે કમિટી બનાવવામાં આવી હતી. એમાં સફળતા મળી હતી. એટલે હવે ગુજરાતની ચૂંટણીમાં પણ બ્રહ્મસમાજની કમિટીની રચના કરવામાં આવી છે. રાજકોટમાં બ્રહ્મસમાજમાં સૌરાષ્ટ્ર ઝોનની કમિટી બનાવાઈ છે. આ પહેલાં પણ ભાજપે ગુજરાતમાં બ્રાહ્મણોની કમિટી બનાવી હતી, જેમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની અધ્યક્ષતામાં 6 બ્રહ્મ અગ્રણીઓની કમિટી બનાવાઈ છે, જેમાં બરોડાનાં સાંસદ રંજનબેન ભટ્ટ, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, ગુજરાત ભાજપ મીડિયા યજ્ઞેશ દવે અને જ્હાનવી વ્યાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મણિનગર વિસ્તારમાં પણ ભાજપે બે ટર્મથી ચૂંટાતા સુરેશ પટેલને બદલે અમુલ ભટ્ટને તક આપી છે. તેની સામે કોંગ્રેસના રાજપૂત અને આમ આદમી પાર્ટીના પટેલ ઉમેદવાર મેદાનમાં છે. ખંભાતમાં ભાજપના મહેશ રાવલની સામે કોંગેસના પટેલ અને આપના ક્ષત્રીય ઉમેદવાર લડે છે. મહીસાગર જિલ્લાની લુણાવાડા સીટ પર ભાજપે પહેલીવાર બ્રહ્મ ઉમેદવાર ઉતાર્યા છે. અહીં કોંગ્રેસના ગુલાબસિંહ અને આપના સોલંકીની સામે ભાજપના જિજ્ઞેશ સેવક લડે છે.
વડોદરાની આકોટા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ બ્રહ્મ ઉમેદવાર ઉતાર્યા છે. ભાજપના ચૈતન્ય દેસાઈની સામે કોંગ્રેસના ઋત્વિક જોશી લડે છે. વડોદરાની જ રાવપુરા બેઠક પરથી ભાજપના બાલકૃષ્ણ શુક્લ છે પણ કોંગ્રેસમાંથી પટેલ ઉમેદવાર લડે છે. વડોદરાની બંને બેઠક આકોટા અને રાવપુરામાં પટેલ અને મુસ્લિમ મતદારોની સંખ્યા વધારે છે.
કોંગ્રેસ પાસે બે મજબૂત બ્રાહ્મણ ઉમેદવારો છે. એક રાજકોટ ઈસ્ટ બેઠકના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજગુરુ અને બીજા ઘાટલોડિયા બેઠકના ઉમેદવાર અમીબેન યાજ્ઞિક. આમ આદમી પાર્ટીએ પણ રાજકોટ વેસ્ટમાં દિનેશ જોશીને ઉતાર્યા છે.
2017ના ચૂંટણી પરિણામો દર્શાવે છે કે રાજ્યના 31 ટકા બ્રાહ્મણ સમાજે કોંગ્રેસને મત આપ્યો હતો. કોંગ્રેસને અગાઉની ચૂંટણી કરતાં આ સમાજમાંથી 4 ટકા વધુ મત મળ્યા હતા. બીજી તરફ જો ભાજપની વાત કરીએ તો તેને બ્રાહ્મણ સમુદાયના 64 ટકા વોટ મળ્યા છે, જે 2012 કરતાં એક ટકા ઓછા છે. રાજ્યમાં 22 બેઠકો પર બ્રાહ્મણ મતદારોની સંખ્યા પણ નિર્ણાયક છે.
ભાજપ સરકારમાં મંત્રી રહી ચૂકેલા જયનારાયણ વ્યાસ હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તેમણે એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહેલું કે ગુજરાતની કુલ વસતિના 4.50% બ્રાહ્મણો છે. તેમાંથી 3% કે 3.50% બ્રાહ્મણો એક જ દિશામાં મતદાન કરે તો રાજ્યની 182માંથી 123 સીટનું પરિણામ બદલાઈ શકે છે.




