ગુજરાત રાજયના દાહોદમાં 20 જૈન તિર્થકંરો અને અસંખ્ય સંતોના મોક્ષસ્થળ શ્રી સમ્મેદ શિખર પારસનાથ પર્વતરાજ ગિરીહોડ ઝારખંડની સ્વતંત્ર ઓળખ અને પવિત્રતા માટે સકલ જૈન સમાજ અને વિશ્વ જૈન સંગઠન તરફતી રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કરાયો હતો.શ્રી સમ્મેદશિખરજી સિદ્ધ ક્ષેત્રની રક્ષા માટે વિશ્વ જૈન સંગઠન તરફથી દાહોદ શહેરમાં જૈન સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જૈન સમાજના લોકોએ આવેદન પણ આપ્યુ હતું. આવેદનમાં સમમેદ શિખર તીર્થની પવિત્રતા યથાવત રાખવાની માગણી કરવામાં આવી હતી. સમ્મેદ શિખર તીર્થની પવિત્રતા યથાવત રાખવા, તિર્થ બચાવો મહારેલીમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતાં. આ રેલીમાં સમ્મેદ શિખરને પર્યટન સ્થળ બનાવવાનો વિરોધ કરવામાં આવ્યો હતો.
તેમજ જૈનબંધુઓએ માગણી કરી હતી કે, તેને ધર્મસ્થળ જ રાખવામાં આવે, આ સાથે પારસનાથ પર્વતરાજને ઝોનલ અને પર્યટન માસ્ટર પ્લાનની સૂચિથી બહાર કરાય. કેન્દ્રીય વન મંત્રાલયદ્વારા જાહેર અધિસૂચના 2795ઇ/2-8-2019 અવિલંબ તાત્કાલિક રદ કરવામાં આવે,પારસનાથ પર્વતરાજ અને મધુબનને માસ-મદિર વેચાણ મુક્ત પવિત્ર તીર્થ સ્થળ જાહેર કરાય, તેવી માંગણી કરવામાં આવી હતી.
પર્વતરાજ વંદના માર્ગમાં સીઆરપીએએફ, સ્કેનર, સીસી ટીવી કેમેરા સહિત બે ચેકપોસ્ટ સુવિધા વધારવામાં આવે અને પર્વતરાજમાં વૃક્ષોનું નિકંદન અને ગેરકાયદે ખનન પણ રોકવાની માગણી કરી હતી. સમાજના લોકોએ હાથોમાં ધર્મ ધજા અને સમ્મેદ શિખરજી બચાવવા માટે નારા લગાવવા સાથે નારા લખેલા બોર્ડ લઇને નીકળ્યા હતાં.