Published By : Patel Shital
- ખુલ્લી જમીનના નામે ચાલતો હતો પાર્ટી પ્લોટનો ધંધો…
- રાજ્યમાં અન્ય નગરોમાં પણ આમ જ ચાલતુ હોવાની સંભાવના…
- મનપાએ વેરો ઝીંકતા પાર્ટી પ્લોટ બંધ થયા…
સુરત મનપા દ્વારા એક કોર્પોરેટરે કરેલ રજુઆતના પગલે કતારગામ ઝોનમાં આવેલ પાર્ટી પ્લોટોની સઘન તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન જણાયું કે ખુલ્લી જમીન જણાવી પાર્ટી પ્લોટ તરીકેનો ધીકતો ધંધો કરવામાં આવતો હતો. પરંતુ મનપા દ્વારા પાર્ટી પ્લોટ તરીકે ગણી વેરા વસૂલાતની નોટિસ ફટકારતાં કતારગામ ઝોનમાં 50 કરતા વધુ પાર્ટી પ્લોટ બંધ થઈ ગયા હતા.

સુરતના કતારગામ ઝોનમાં ઘણા લાંબા સમયથી પાર્ટી પ્લોટો પર વિવિઘ લગ્ન પ્રસંગો તેમજ અન્ય પ્રસંગોનું આયોજન કરવામાં આવતું હતું. પરંતુ મનપાના રેકોર્ડ પર આ પાર્ટી પ્લોટો ખુલ્લી જમીન તરીકે હોવાથી મનપાને યોગ્ય આવક થતી ન હતી. તે સાથે પાર્ટી પ્લોટો ધરાવનારા ધીકતો ધંધો કરી તગડી કમાણી કરતા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે કોર્પોરેટર દ્વારા રજૂઆત કરવામાં આવતા મનપાએ સઘન તપાસ કરી હતી. જેના પગલે પાર્ટી પ્લોટ તરીકે ગણી વેરાની નોટિસો ફટકારતા પાર્ટી પ્લોટનો ધંધો કરનારાઓએ રૂ. 10 થી લઇ રૂ. 80 લાખ સુધીનો દંડ ભરવાની પરિસ્થિતિ સર્જાઇ હતી. જેથી પાર્ટી પ્લોટનો ધંધો કરનારા 50 કરતા વધુ લોકો એ ધંધો બંધ કરી દેતા હાલ કતારગામ ઝોનમાં લગ્ન પ્રસંગ કે અન્ય પ્રસંગોનું આયોજન ક્યાં કરવું તે અંગે સમસ્યા સર્જાઈ છે. તો બીજી બાજુ પાર્ટી પ્લોટોના માલિકોએ સંઘર્ષ સમિતિ રચી લડત આપવાનું નકકી કરેલ છે. રાજયના અન્ય વિસ્તારોમાં પણ આવી સ્થિતિનું સર્જન થતું હોય અને પાર્ટી પ્લોટને ખુલ્લી જમીન તરીકે ખપાવવામાં આવતુ હોય તેમ બની શકે છે.




