- સ્થાનિકો રોષે ભરાઈ બસ પર પથ્થરમારો કર્યો…
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સિટી બસમાં ચઢવા જતા ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો પગ લપસી જતા તેના પગ ઉપર સીટી બસનું ટાયર ફરી વળતા તેનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.
સુરત શહેરમાં દિવસેને દિવસે સિટી બસ ચાલકો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ઇન્દિરા નગરમાં રહેતો ધોરણમાં ૧૨માં ભણતો વિશન વિજયરાજ મૌર્યા ટ્યુશન જઈ રહ્યો હતો. તે દરમિયાન તે સીટી બસમાં ચડવા જતો હતો ત્યાં તેનો પગ લપસી જતા સીટી બસનું ટાયર તેના પગ પર ફરી વળ્યું હતું.

ગંભીર ઈજાઓને પગલે વિદ્યાર્થીને તાત્કાલિક 108 સેવાની મદદ વડે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. વિદ્યાર્થીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

આ અંગે સ્થાનિક લોકો રોષે ભરાઈ ગયા હતા અને બસ પર પથ્થરમારો પણ કર્યો હતો. જોકે બસ ડ્રાઇવર બસ મૂકી ફરાર થઈ ગયો હતો. પથ્થરમારો કરતા જ પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. પાંડેસરા પોલીસે સીટી બસ ડ્રાઇવરની મોડી રાત્રે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(ઈનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત)