Published By : Disha PJB
ગુજરાતમાં ન જાણ કેટકેટલાય તથ્ય પટેલ ફરી રહ્યાં છે. રોજ કોઈને કોઈ શહેરમાં કોઈ મોટા ઘરનો નબીરો ગાડીઓ ઠોકતા જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સુરતમાં થયેલ અકસ્માતે અમદાવાદની યાદ તાજી કરાવી છે. સુરતમાં ગઈકાલે રાતે કપોદ્રા વિસ્તારમાં સ્નેહ મુદ્રા સોસાયટી પાસે એક સ્વીફ્ટ કાર ચાલકે 3-4 બાઈક ચાલકને અડફેટે લીધા હતા. જેમાં બાઈક ચાલકો ઈજાગ્રસ્ત થયા હતા. બેફામ રીતે કાર હંકારીને ઢગલાબંધ બાઈક ચાલકોને અડફેટે લેનારાને સ્થાનિક લોકોએ તથ્ય પટેલની જેમ જ ગાડીમાંથી બહાર કાઢીને માર માર્યો હતો. બીઆરટીએસ રુટ ખાનગી વાહનો માટે પ્રતિબંધિત હોવા છતા તેમાં રમરમાટ સ્વીફ્ટ ગાડી ચલાવી હતી. ઘટનાની જાણ થતા કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા.
અકસ્માત સર્જનાર કાર ચાલકનું નામ સાજન પટેલ હોવાનું સામે આવ્યું છે. સાજન પટેલ સુરતના ઉતરાણનો રહેવાસી છે. તે મૂળ સુરતી છે અને કાર લે-વેચનો ધંધો કરે છે. ત્યારે સાજન પટેલે પણ દારૂ પીધો હતો, તેણે ખુદ આ વાતનો સ્વીકાર કર્યો છે.
ઈજાગ્રસ્ત 6 બાઈક ચાલકો, જેમાં બે લોકોને મંગલદીપ હોસ્પિટલમાં ખસેડાયા. તો બે લોકોને પીપી મણિયા અને પીપી સવાણી હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે હાલ કારચાલકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી સાજન પટેલે તથ્યની જેમ જ ચાલુ ગાડીએ રીલ બનાવી છે, તે વાયરલ થઈ છે. પોતાનો બચાવ કરતા સાજન પટેલે દારૂ ન પીધો હોવાનું કહ્યુ હતું. તેણે કહ્યું કે, ઘરે જતો હતો, અચાનક જ ટુવ્હીલર આવી ગયુ, તેમાં ઠોકાયો. મેં દારૂ નહોતો પીધો. વરસાદ પડતો હતો, એટલે ન દેખાયુ. ટ્રાફિક હતો, રસ્તો બ્લોક હતો એટલે બીઆરટીએસ રુટમાં જતો રહ્યો હતો. મેં બપોરે દારૂ પીધો હતો. મારા છોકરાની બર્થડે પાર્ટીમાં દારૂ પીધો હતો.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.