Published By : Disha PJB
સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં આવેલ સત્યમ નગરમાં સૂવા બાબતે થયેલા ઝઘડામાં પિતાએ પોતાની જ પુત્રીની ચપ્પુના ઘા મારી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. કડોદરા વિસ્તારમાં આવેલ સત્યમ નગરમાં રહેતા 42 વર્ષીય રામાનુજ શાહુ જેઓ મિલમાં મજૂરીકામ કરી ગુજરાન ચલાવે છે. તેઓના પરિવારમાં તેમની પત્ની રેખાદેવી શાહુ અને ચાર સંતાનો છે. એમાંથી ત્રણ છોકરા અને એક છોકરી ગઈકાલે રાતે જયારે પરિવાર ધાબા પર સુવા માટે જતા હતા તે દરમિયાન રામાનુજ જોડે તેમની પત્ની રેખાદેવી જોડે સુવા બાબતે ઝઘડો થયો હતો.
પરંતુ આ ઝઘડો એટલી હદે થઇકે પત્ની રેખાદેવી ઉપર તેઓ ચાકુંથી હુમલો કર્યો હતો. અને આ જોઈ દીકરાઓ માતાને બચાવવા માટે દોડી આવ્યા હતા. આ દરમ્યાન બચાવા માટે આવેલી 19 વર્ષીય દીકરી ચંદાકુમારીને પિતાએ ચાકુના ઘા મારી હત્યા કરી હતી. જોકે ઘટનાની જાણ થતા જ કડોદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના રાત્રે 10:30 વાગ્યાની આસપાસ બની હતી. પરિવાર જમીને ધાબા ઉપર સુવા જતા હતા તે દરમિયાન જ ઝઘડો થયો હતો અને આ ઘટના બની હતી. માતાને બચાવવા આવેલા દીકરાઓ પર પણ પિતાએ હુમલો કર્યો હતો. જેમાં ત્રણે દીકરાઓને ઈજા પહોંચી હતી. જોકે પિતાના હાથમાં દીકરી આવી જતાં તેના પર મટન કાપવાના છરાથી 17 જેટલા ઘા માર્યા હતા. એમાં તેના ચહેરા પર મારવામાં આવેલા ઘાથી એના બે ભાગ થઈ ગયા હતા અને દીકરીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે માતા અને ત્રણ દીકરાને ઈજા પહોંચતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
આ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા આરોપી રામનુજ મહાદેવ શાહુની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. તે ઉપરાંત દીકરી ચંદાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ ચંદાના મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે,સુરત.