Published By : Disha Trivedi
નારી શક્તિને સોનુ…સોનાના ઘરેણાં બહુ વ્હાલા…સોનું ખરીદવું અને તેમાં રોકાણ કરવું ખૂબજ પસંદ હોય છે. તે તહેવાર અથવા અન્ય પ્રસંગોએ સોનું ખરીદે છેજયારે પણ અચાનક રૂપિયાની જરૂર પડે છે, ત્યારે ગોલ્ડ લોન લેવા માટે આ ગોલ્ડ એટલે કે સોનુ ખુબજ કામ લાગે છે. પરંતુ જયારે આપણે ઘરેણાં લઈ બેંકમાં જઇએ છે, ત્યાંરે જાણવા મળે છે કે આપણી પાસેનું જે સોનું છે તે 18 કેરેટની શુદ્ધતાનું છે. જ્યારે સોનીએ જે તે સમયે 22 કેરેટ કહીને સોનું વેચ્યું હતું. આવી સ્થિતિમાં આપણને જાણ થાય છે કે સોની એ આપણને છેતર્યા છે, એજ હિસાબ થી બેન્કમાંથી ઓછી લોન મળે છે. હવે 1 એપ્રિલ 2023 પછી આવું નહીં થાય.
1 એપ્રિલ 2023થી સોનાની હોલમાર્કિંગ ફરજિયાત થવાની છે, એટલે કે જ્વેલર્સ ફક્ત હોલમાર્કવાળું સોનું જ વેચી શકશે. તેનાથી જાણ થઈ જશે કે, સોની પાસેથી જે સોનું ખરીદી રહ્યાં છે, તે શુદ્ધ છે કે નહીં.
જો તમે પણ સોનામાં રોકાણ કરવાનું પસંદ કરો છો તો ફિઝિકલ ગોલ્ડ જેમ કે ઘરેણાં અથવા સોનાનાં બિસ્કિટ-સિક્કા સિવાય પણ અન્ય રીતે તમે સોનામાં રૂપિયા રોકી શકો છો. તેમાં તમારા રૂપિયા સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે અને રૂપિયાની જરૂર પડવા પર તમે તેને સરળતાથી વેચી પણ શકશો. સોનું 5 વર્ષમાં 31 હજારથી 60 હજાર પર પહોંચી ગયું છે.
ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ગોલ્ડ ETF)
સોનાને શેરોની જેમ ખરીદવાની સુવિધાને ગોલ્ડ ETF કહે છે. આ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ છે, જેને સ્ટોક એક્સચેન્જ પર ખરીદી અને વેચી શકાય છે. જોકે, ગોલ્ડ ETF માટે બેન્ચમાર્ક સ્પોટ ગોલ્ડ પ્રાઈસ છે, તમે તેને સોનાની વાસ્તવિક કિંમત નજીક ખરીદી શકો છો. ગોલ્ડ ETF ખરીદવા માટે તમારી પાસે એક ટ્રેડિંગ ડીમેટ એકાઉન્ટ હોવું જોઈએ.
તેમાં રોકાણ માટે ડીમેટ એકાઉન્ડ જરૂરી: ગોલ્ડ ETF ખરીદવા માટે તમારે ડીમેટ એકાઉન્ટ ખોલાવવું પડશે. તેમાં NSE અથવા BSE પર ઉપલબ્ધ ગોલ્ડ ETFના યુનિટ ખરીદી શકો છો અને તેટલી રકમ તમારા ડીમેટ એકાઉન્ટ સાથે લિંક કરો જેથી બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે.
પેમેન્ટ એપ દ્વારા પણ સોનામાં રોકાણ,
તમે હવે સ્માર્ટફોનના માધ્યમથી ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી શકો છો. તેના માટે વધુ ખર્ચ કરવાની જરૂર નથી. તમારી અનુકૂળતા મુજબ જોઈએ તેટલું જ સોનું ખરીદી શકો છો. માત્ર એક રૂપિયાનું પણ રોકાણ કરી શકાય છે. એમેઝોન, ગૂગલ પે, પેટીએમ, ફોનપે અને મોબિક્વિક જેવા પ્લેટફોર્મ આવી સુવિધા આપે છે.
ડિજિટલ ગોલ્ડનો ફાયદો એ છે કે માત્ર એક રૂપિયાથી પણ શરૂઆત કરી શકો છો. સીધું સોનામાં જ રોકાણ થાય છે. જ્વેલરી મેકિંગનો ખર્ચ ભોગવવો પડતો નથી. બચત પણ થતી જાય અને સોનાનાં ભાવ વધે તો લાભ પણ મળે અને સોનાને સાચવવાની ચિંતા પણ નહિ.
સોવરેન ગોલ્ડ બોન્ડ પણ સારો વિકલ્પ
સોવરેન ગોલ્ડ બોન્ડ એક સરકારી બોન્ડ હોય છે, જેને સરકાર સમયાંતરે બહાર પાડે છે. તેનું મૂલ્ય રૂપિયા અથવા ડોલરમાં નહીં પણ સોનાનાં વજનમાં હોય છે. જો બોન્ડ 1 ગ્રામ સોનાનું છે, તો બોન્ડની કિંમત 1 ગ્રામ સોના જેટલી જ હશે. સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઈશ્યૂ પ્રાઈસ પર દર વર્ષે 2.50% નિશ્ચિત વ્યાજ મળે છે. તેમાં રોકાણ માટે ડીમેટ એકાઉન્ટની જરૂર પડે છે.
તેને ખરીદવું સરળ: ગોલ્ડ બોન્ડ ખરીદવા માટે તમારે કોઈ બ્રોકરના માધ્યમથી ડીમેટ એકાઉન્ટ ખોલાવવું પડશે. તેમાં એનએસઈ પર ઉપલબ્ધ ગોલ્ડ બોન્ડના યુનિટ તમે ખરીદી શકો છો અને તેની જેટલી રકમ તમારા ડીમેટ એકાઉન્ટ સાથે લિંક બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે. તેમાં ઓફલાઈન પણ રોકાણ કરી શકાય છે.
ફિઝિકલ ગોલ્ડ/ઘરેણાં
ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ એટલે ઘરેણાં અથવા સોનાના બિસ્કિટ-સિક્કા ખરીદવા. એક્સપર્ટ ઘરેણાં ખરીદવાને સોનામાં રોકાણની યોગ્ય નથી માનતા, કારણ કે તેના પર જીએસટી અને મેકિંગ ચાર્જ ચૂકવવો પડે છે. તેથી તેમાં તમારે પહેલાં જ વધારે રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે ઘરેણાં બનાવવા પર તમે 24 કેરેટ સોનામાં રોકાણ નથી કરતા, કારણ કે 24 કેરેટ શુદ્ધતા સોનાનાં ઘરેણાં નથી બનતા. જોકે, તમે સોનાના બિસ્કિટ અથવા સિક્કામાં રોકાણ કરી શકો છો.
10 વર્ષમાં સોનાનો ભાવ બમણાથી વધુ થયો, તો સોનાએ 100% કરતા વધુ રિટર્ન આપ્યું છે. માર્ચ 2013માં સોનું 29 હજાર રૂપિયા હતું, જે હવે 60 હજાર રૂપિયા પ્રતિ ગ્રામ પર પહોંચ્યું છે. શેર બજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવના કારણે સોનાને સપોર્ટ મળી રહ્યો છે. તેના કારણે આ વર્ષના અંત સુધી સોનું 65 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.