- ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ કીનો દુરુપયોગ કરી 44 પૈકી 43 કામોના અનધિકૃત રીતે પેમેન્ટ કરી દેવાયા
- અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી દ્વારા નોંધાવાઇ ઉચાપતની ફરિયાદ
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી કમ મંત્રી સામે રૂ. 1 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ કી નો દુરુપયોગ કરી તાલુકા પંચાયતના પૂર્વ કર્મચારીની મદદથી અનધિકૃત રીતે પેમેન્ટ કરી દેવાતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગામોના વિકાસ માટે 15 માં નાણાંપંચ યોજના હેઠળ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તે ગ્રાન્ટની રકમના ઉપયોગ માટેની પ્રોસિજર માટે સરકાર દ્વારા ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટી કમ મંત્રીને DSC – ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ કે આપવામાં આવે છે. જે પેન ડ્રાઈવ અને યુઝર આઈડી પાસવર્ડ પણ આપવામાં આવે છે. આ DSC ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચ તથા તલાટીને પણ આપવામાં આવી હતી. તેઓએ આ ડિજિટલ કી નો દુરુપયોગ કરવા માટે તાલુકા પંચાયતમાં અગાઉ ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અને જેઓએ ગત તા. 31.3.22 ના રોજ રાજીનામુ આપી દીધું હતું તેવા નીતિન સોલંકીને આ કી આપી હતી. અને 4.4.2022 થી 28.8.2022 સુધીના સમયગાળામાં 44 કામો પૈકી 43 કામોના બિન અધિકૃત રીતે પેમેન્ટ કરી દેવામાં આવ્યા હતા.આ પેમેન્ટની રકમ 1 કરોડ 16 લાખ 70 હજાર 190 થાય છે. જેની ઉચાપત અંગેની ફરિયાદ તાલુકા વિકાસ અધિકારી મયુરી ગાઈન dig દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. તેઓએ નીતિન સોલંકી, સરપંચ મંજુલા પટેલ, તલાટી દીરલ પટેલ, કોમલ એન્ટરપ્રાઇઝ, સત્યા એન્ટરપ્રાઇઝ, રેયાંશ એન્ટરપ્રાઇઝ અને બ્રહ્માની ઇલેક્ટ્રિકલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત જાણવા મળ્યા મુજબ સરપંચ તથા તલાટી કમ મંત્રીને સસ્પેન્ડ કર્યા હોવાના પણ અહેવાલો સાંપડી રહ્યા છે અંતરંગ વર્તુળો તરફથી મળતી વિગતો અનુસાર હજુ કેટલાક ગામોના કૌભાંડ પણ બહાર આવે તેમ છે.




