સિકવલ ફિલ્મોમાં સૌથી વધુ કલેક્શન કરવાના મામલે દ્રશ્યમ-2 ટોપ-10 ફિલ્મોમાં સામેલ થઇ ગઇ છે. અજય દેવગણ અભિનીત દ્રશ્યમ-2 ટૂંક સમયમાં જ ભારતીય બોક્સ ઓફિસ પર 200 કરોડની ક્લબમાં પ્રવેશવાની તૈયારીમાં છે. ફિલ્મે અત્યાર સુધીમાં 160 કરોડની કમાણી કરી લીધી છે. આ લિસ્ટમાં સલમાન ખાનની ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હૈ’ નંબર વન પર છે. દ્રશ્યમ-2 એ 2015ની દ્રશ્યમની સિક્વલ છે.
રજાઓનાં દિવસોમાં પણ ફિલ્મની કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ ફિલ્મનું લેટેસ્ટ કલેક્શન પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરતાં લખ્યું- ‘દ્રશ્યમ-2 સતત પૈસા અકત્ર કરી રહી છે. બીજા અઠવાડિયામાં શુક્રવારે 7.87 કરોડ, શનિવારે 14.05 કરોડ, રવિવારે 17.32 કરોડ, સોમવારે 5.44 કરોડ, મંગળવારે 5.15 કરોડ અને બુધવારે 4.68 કરોડ એટલે કુલ – 159.17 કરોડની કમાણી કરી છે. દ્રશ્યમ-2નું બજેટ આશરે 60 કરોડ હતું. આ ફિલ્મે રિલીઝનાં ત્રીજા દિવસે 64 કરોડની કમાણી સાથે તેના બજેટ સંપૂર્ણપણે વસૂલી લીધુ હતું. આ ફિલ્મમાં અજય દેવગણ, તબ્બુ, શ્રેયા સરન, અક્ષય ખન્ના અને ઇશિતા દત્તા મુખ્ય ભૂમિકામાં છે.
વર્ષ 2022માં વર્લ્ડવાઇડ કલેક્શનનાં મામલે બ્રહ્માસ્ત્ર 431 કરોડ સાથે પહેલા નંબર પર છે, જ્યારે કાશ્મીર ફાઇલ્સ 341 કરોડ સાથે બીજા નંબર પર છે. ભૂલ ભુલૈયા 2 (266 કરોડ) ત્રીજા નંબર પર છે. હવે કુલ 227 કરોડના વર્લ્ડવાઇડ કલેક્શન સાથે દ્રશ્યમ-2 એ ગંગુબાઇ કાઠિયાવાડી (211 કરોડ)ને પાછળ છોડી દીધી છે.




